આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૧૭
 


“ ત્યારે શેઠ, અમારે યે બહારવટાનાં વ્રત હોય છે. અમે બહારવટીયા પણ અરધા જતિ. અમારાથી અંગ માથેની જીવાત્ય ન મરાય. નીચી પડી જાયને, તોય ઉપાડીને પાછી લુગડામાં મેલવી જોવે. નવાય નહિ. ધોવાય નહિ. આજ અઢાર વીસ વરસથી અમારા આવા હાલ છે. ”

ડાહ્યો વણિક વિચારે ચડી ગયો. થોડી વાર રહીને મ્હોં મલકાવી બોલ્યો: “બાપુ ! જું લીંખને જાળવો છો ત્યારે વેપારી વાણીઆને બાન પકડી નાણાં કાં છોડાવો ? આટલી બધી હત્યા કાં કરો ? ખેડુનાં ખેતર કાં ઉજજડ કરો ? એમાં દયા કેમ નહિ ? ”

“ના, તમ પર દયા ન હોય. શેની હોય ? તમારાં તો માથાં વાઢીને ગિરને ગાળે ગાળે એનાં તોરણ બાંધવા જોવે.”

“કાં બાપુ ? ” શેઠની રોમરાઈ થરેરી ઉઠી.

“કાં ? પૂછો ચો ? લાજતાં નથી ? જે પાદશાહ અમારે માથે માછલાં ધોવે, એને તમે સલામુ કરો ? એને કરવેરા ભરો ? એ અધરમીને ખેડુતો કામી કામીને ખેારાકી પૂરે ? એનું રાજ તમે આંહી નભાવો ? એક તો પરદેશી ને વળી અધરમી ! તમે એના કૂતરા બનીને પગ ચાટો, અમારા માથે જુલમ ગુજારવાની બધી જોગવાઈ કરી આપો, તોય અમારે તમને જાવા દેવા એમ ને ?”

બહારવટીયાને બોલે બોલે જાણે ગિરના ડુંગરા સાદ પૂરાવી રહ્યા છે. પંખીડાં ઝાડવાં ઉપર બેઠાં બેઠાં અંગ સંકેાડીને લપાઈ ગયાં. બહારવટીયો ફરી બોલ્યો:

“તમથી તો આ ટાલા ને ચાંચડ માંકડ ભલા ! પાદશાહને પૈસા ય નથી દેતા ને સલામુ ય નથી ભરતા. અમારાં ડીલ ઉપર એને ઈશ્વરે અવતાર દીધો, એટલે બાપડાં ક્યાં જાય ! પાશેર લોહી પીને પડયાં રહે છે. એને અમે કેમ મારીએ ? મારીએ તો તમને જ.”