આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૩૩
 


“ના, તમે મારું માથું ઉડાવો. હું પછી તમને મારીશ.”

“ભાઈ વેજા, તારે માથે બે ખતા છે: મોટા બાપુની અને રણમલની એટલે તારું માથું વઢાણા પછી તું મને નહિ મારી શકે. માટે પ્રથમ તારો ઘા.”

ભેાંય પર પછેડી પાથરી, બને ભાઈ બેઠા. કસુંબા લીધા. હેતપ્રિતથી ભેટ્યા પછી વેજાએ જેસાની ગરદન પર ઘા કર્યો. ઘા કરીને પોતે માથું ઝુકાવી બેસી ગયો.

જેસાએ એક હાથે પોતાનું કપાએલ મસ્તક ધડ ઉપર ટકાવી રાખ્યું અને બીજે હાથે વેજા ઉપર ઘા કર્યો.

બન્ને ભાઇએા આવી શાંતિથી વેજલ કોઠા પાસે કામ આવ્યા.

બન્નેના ચગલા (પાવળીયા) જેસાઘાર ઉપર રોપાયા. તે પછી જેસાજીનાં બ્‍હેન ભાઈની ખાંભી માથે નાળીએર ચડાવવા આવ્યાં. જુવે તો બેયનાં મ્હોં ઉગમણાં હતાં. કોની કઈ ખાંભી, એ બ્‍હેનથી ન વરતાણું.

હાથ જોડીને બ્‍હેન બોલી: “હે વીરા ! હું તને કેમ ઓળખું ! મારાં હેત સાચા હોય તો હું માગું છું કે જેસોજી ઉગમણે જ રહે, અને વેજોજી ગોત્રહત્યારો હોવાથી આથમણે મોઢે થઈ જાય !”

બ્‍હેનની વાણી સાંભળીને બેમાંથી એક ખાંભી આથમણી ફરી ગઇ હતી, એમ કહેવાય છે.