આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સોરઠી બહારવટીયા:૨
 

ઈસ્માઇલ પોતે પણ પોતાનાં તકદીરનો ભૂલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી.

આખી રાત ફીફાદ ગામમાં રહી પરોડિયે સરગી કરી જમાદાર ઈસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુંજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો, પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ પચાસ પચીસ ગાઉમાં ક્યાંયે બહારવટીયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકાઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો સરદાર ઘોડો હાંક્યે જાય છે. એમાં બરાબર ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી, અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવાં લાગતાં સો એક ભાલા ઝળેળાટ કરી ઉઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ અવાજ દીધો કે

“ઈસ્માઈલ જમાદાર ! કાઠીઓ આવે છે.”

“અરે હોય નહિ !”

“હોય નહિ શું ? લ્યો ત્યારે, એ આ કટક વરતાણું.”

“ફકર નહિ. આપણે ખભે એકાવન બંદૂકું પડીયું છે, ને ઈ બચારા આડહથીઆરા છે. હમણાં વીંધી લઈએ. જામગ્રીયું ચેતાવો ઝટ !"

પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફુલની માફક રમવા લાગ્યા અને જામગ્રીઓ ઝબુકી ઉઠી. “હાં, ફૂંકી દ્યો !” એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત ભુજાએામાં ઉપડીને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ. તીણી આંખો પોતપોતાના વડીયાની સામે નિશાન લઈ રહી, સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણ છેરણ થઈ ગયાં, કોઈ પોતપોતાની ઘોડીએાના પેટાળે ઉતરી ગયા, કોઈએ ઘોડીઓની