આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સોરઠી બહારવટીયા:૨
 


“સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યા છે બાપુ ! સૈયદ બાગાના જખ્મોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડયા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો બાપુ હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબુત ટેભા લીયો. આખું અંગ વેતરાઈ ગયું'તું તો પણ એક ચુંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દિવાનની લાશ પડી'તી.

“રંગ છે આરબની જનેતાને.એનો ધાવેલો તો જરૂર પડ્યે ઉભા ને ઉભા કરવતે પણ વેરાઈ જાય ને ! ”

કચારીમાં આરબ અમીર ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઉપડી આવી. નીમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદરથી ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડી ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે

“બાપુ ! જીભાઈ રાઘવજી દિવાન પધારેલ છે.”

તૂર્ત જ નાગર જોદ્ધો જીભાઈ રાધવજી દેખાયો. કમર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધબેલા છેઃ ગળે ઢાલ, કાખમાં શિરોહીની તલવાર ને હાથમાં ભાલો લીધો છે. પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા. “જીભાઈ ! આવી પોગ્યા ? બંદોબસ્ત બરાબર કર્યો છે ને ?”

“મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગીયા–જાળ પાથરીને હાલ્યો આવું છું. મગ જેવડું યે માછલું-ખુમાણનું નાનકડું છોકરૂં પણ ક્યાંય આઘું પાછું ન થઈ શકે એવાં સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા,