આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૧૫
 

ડુંગર, આંબરડી, મીતીઆળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે, પાકેપાકી મગીયાજાળ પાથરી દીધી છે બાપા ! ”

“રંગ તમને, જીભાઈ ! બાકી તો બહારવટીઆએ આણંદજીને માર્યા ત્યારથી મારૂં રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ ?”

“જ્યાં હશે ત્યાંથી મારી મગીયાજાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડા હવે કેટલા દિ'?”

“હાજ તો ! ભાવનગરનો ચોર તો ભાગી ભાગીને કેટલેક જાશે ?” એક બીજા અમીરે ટાપસી પૂરી.

ત્યાં તો મહારાજને દુ:ખ ભૂલવવા, હિમ્મત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે કેટલે જઈને રે'શે ?”

“ક્યાં જઈને રે'શે ? દેખ બચ્ચા ! આંહી રે'શે”

કચારીના ખુણામાંથી એવી એક ત્રાડ સંભળાણી. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર તરફ જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા. અને ફરીવાર એ ધોળા, વાકડીયા, ખંભે ઢળકતા વાળ વાળા, સુફેદ દાઢી મૂછના ભરાવાવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઈસ્મે રે'ગા ! યે મેરા ખપ્પરકે નીચુમેં રે'ગા !”

એટલું કહેવાની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઉંધું વાળ્યું.

“નખ્ખોદ વળ્યું !” ઠાકોરના મ્હોંમાંથી ઉદ્ગાર નીકળ્યો, "મુરાદશા એાલીયાએ ખુમાણને આશરો દીધો!"

તૂર્ત જ ચતૂર રાજાએ બાજી પલટી નાખી. મુંજાવર મુરાદશાનો કો૫ હેઠો બેસારવા મીઠાશથી બોલવા માંડ્યું કે