આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સોરઠી બહારવટીયા:૨
 

“અરે હાં ! હાં ! હાં ! સાંઈ મૌલા! ગુસ્સો શમાવી દો બાવા ! દઃખ ધોખો ન લગાડો. હોય. એ તો થયા કરે.”

“મહારાજ !” મુરાદશાએ બોખા મ્હોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યો, “મને દુ:ખ કેમ ન લાગે ? જોગીદાસ જેવા લાખ રૂપીઆના કાઠીને ચોર લુંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જાતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે ? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજા સા'બ ? એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોટતી.”

“સાંઈ મૌલા ! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારૂં સારૂં દેખાડવા માટે જોગીદાસને નાન૫ દેવામાં ભૂલ કરી છે. મારા દિલમાં એવું કાંઈ જ નથી. મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ ! આપનો ગુસ્સો શમાવો.*[૧]

ભાવનગરમાં ગંગાજળીયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખુણા પર આજ પણ જે જગ્યા 'પીર મુરાદશાના તકીઆ' તરીકે ઓળખાય છે, ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટીયો ઉતરતો, દિવસોના દિવસ સુધી રહેતો, ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.

"બાપુ! ગઝબ થઈ ગયો.”

જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.


  1. *કહેવાય છે કે પેલું વાળેલું ખપ્પર મુરાદશાએ ઉંચુ ઉપાડી લીધું. ઉપાડતાંજ નીચે એક ઘોડીના ડાબલાનું તાજેતાજું પગલું ને બીજું ઘોડાની તાજી કરેલી લાદનું પોચકું દેખાયું.