આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીસદાસ ખુમાણ
૨૭
 

ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા મંડ્યા. સામી છાતીએ લડીને *[૧]ફુલધારે ઉતર્યા.

“બસ ત્યારે !” જોગીદાસ બોલી ઉઠ્યો, “પૂરે ગઢપણે આપણો બાપ *ફુલધારે ઉતરી ગયા, એ વાતના તે કાંઈ સોગ હોતા હશે ? એનાં તો ઉજવણાં કરાય. માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાઈયું જોડ્યેથી વગડાવો !”

“પણ આપા !" કાસદીઆએ કહ્યું, “બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ.”

જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલા માથાના બુરા હાલ સાંભળતાં એનો કેડો સળગી ઉઠ્યો. પણ નાહિમ્મતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખુટવાની ધાસ્તી હતી. એ કારણથી પોતે મનની વેદના મનમાં શમાવીને કહ્યું “હશે બાપ ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત ? ભલે હવે એ સાવઝના મ્હોંને નિરખી નિરખીને જોતાં.”

જે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણનાં મોતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાશ ક્યાં યે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટીઓ જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઉભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનવા લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સરબંધીઓને પહેરામણી કરવા માટે


  1. *ફુલધારે ઉતર્યા : તલવારની ધારે મર્યા