આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સોરઠી બહારવટીયા:૨
 

“હા આપા !”

બન્ને જણાએ ઘોડીઓ નદીનાં આરા તરફ લીધી. કાંઠે આવતાં તો આઘેથી ઠાકોર વજેસંગને દેખ્યા : મૂછો પડાવીને મહારાજ રામધાટ ઉપર સરવણું કરે છે.

“જો ભાણ ! જોઈ લે બાપ ! બાપ તો તારો ને મારો મર્યો, અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે : આપણા દુશ્મને ! આમ જો ખાનદાની ! તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છે ?”

[કાઠીઓ કદિ પણ મૂછો પડાવતા નથી. રજપૂતો પડાવે છે.]

ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઉંચુ જોયું, બન્ને બહારવટીયા સામે નજર કરીને ઠાકોરે મ્હોં મલકાવ્યું. જાણે મોટેરા ભાઈ હોય, એટલું હેત પાથરી દીધું.

“ઉઠો ઉઠો મહારાજ ! હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તે અવધિ કરી.”

“આપા ભાઈ !” મહારાજ બોલ્યા, “હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારા યે બાપુ, હું મોટેરો દીકરો, તમે કોઈ ઘરે નહિ, એટલે હું સરવું એમાં શું ? મોટેરાને એટલો હક્ક તો રે'વા દ્યો બાપ !”

“ભલે મહારાજ !” જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું.

સરાવણું પૂરૂં થયે સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા. બરાબર ઝાંપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું “રામ રામ મહારાજ !”

“આપા ભાઈ ! આ તરફ દરબારગઢમાં.”

“માફ રાખો, બાપા ! હું સાવરમાં ઉતારો કરીશ.”

“અરે પણ–”

મેરામ ખુમાણ બોલી ઉઠ્યા: “કાં મહારાજ ! ન સમજાણું ? જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે એટલે એણે ઘોડી તારવી.”