આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૩૧
 

“તો આપણાં મુકામ પણ સાવરમાં નાખો."

ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી.

ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું. તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા જલેબી ને મોહનથાળ દીધાં. ત્રણે પરજોના સેંકડો પરોણા મ્હોંમાં આંગળી નાખી ગયા.

કેવળ ક્રાંકચનો મેરામ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું “વાહ ઠાકોર ! રૂપાની થાળી ને સોનાની પાળી ! કલેજાં ચીરે, તો ય મીઠી લાગે !”

“બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવા. આજ બારવટું પાર પાડીએ.” વજેસંગજીએ વાત ઉચ્ચારી.

બન્ને ભાઈઓ હાજર થયા. ઠાકોરે વાત ચલાવી:

“જુઓ આપાભાઈ ! બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો : દરેક ભાઈને ત્રીસ ત્રીસ હજાર મળતા. એથી વધુ તો તમે ન માગો ને !”

“ના.”

“ત્યારે છ ગામ ઉપાડી લ્યો. આપા ! તમે જ નામ પાડો.”

“પહેલું કુંડલા.”

કુડલાનું નામ પડતાં જ મહારાજનું મ્હોં ઉતરી ગયું. મહારાજે માથુ ધુણાવ્યું:

“આપા ! કુંડલા તો નહિ. કુંડલા લેવામાં દરબારને ભારી દાખડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનું હરડાવ્યું, તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ઢાંઢા તૂટી ગયા, તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલાના સિવાય બીજું ઠીક પડે એ ગામ માગી લ્યો."