આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સોરઠી બહારવટીયા:૨
 


“તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે, કરી નાખ ટુંકુ.”

“રાઘા !” હસતા હસતા જોગીદાસ બોલ્યા, “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી ! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બોન નાનીબા હારે નહિ. ઈ તે મારી મા બો'ન ગણાય. અને વળી અબળા, અંતરીયાળ ઓધાર વગર ઉભેલી ! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિન્દવાને ગા અને મુસલમાનને સુવર બરોબર સમજવો જોવે રાધા ! હવે સમજતો જા !”

“ઠીક તયીં. જોગીદાસ ! તારાં ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ, અમે એકલા પતાવશું.”

રાધો હજુ યે સમજતો નથી.

“રાધા ! હવે તો તને રસ્તે પાડીને પછેં જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરીયાળ રઝળવા દેવાય ?”

“એટલે ?”

“એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાધો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠુંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા !”

“એમ છે ? તયીં તો થાજે માટી જોગા !”

“માટી તો કાંઈ થયું થવાય છે બા ? માએ જન્મયા ત્યારથી જેવા હોયીં એવાજ છીએ રાધડા ! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલે હાલ્યો આવ્ય.”

રાધા અને જેગીદાસે પોતાની ફોજો ભેડવી, ખીસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાધો ભાંગી નીકળ્યો.