આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૪૧
 


કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુ યે ભરોસો નથી કે બહારવટીયાના પેટમાં કુડ કપટ છે કે નહિ. ઉલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે.

જોગીદાસે હાકલ કરી “એલા ગાડાખેડુ ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર ? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.”

નાનીબાએ બહારવટીયાના મ્હોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ ! વીરા ! બો'ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે ? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કેદિ ભૂલીશ ?”

“વેલડાને વીંટી વળો ભાઈ !” જોગીદાસે હુકમ કર્યો. ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો.

અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબુકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટીઆએ રજા લીધી કે “બોન ! મા ! હવે તમારી હદ આવી ગઈ છે હવે તમે ઘરને ઉંબરે ઉતરી ગયા બાપા ! હવે મને રજા છે !”

“જોગીદાસભાઈ !” નાનીબાની છાતી છલકી; “તમે ય મારી ભેળા હાલો હું મહારાજને કહીને તમારૂં બહારવટુ પાર પડાવું, તમારો વાળ વાંકો ન થાય.”

“માડી ! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બહારવટું પાર પડે એમાં જોગીદાસની વષેકાઈ શી ? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે લઈશ - કાં મહારાજની સાથે સામસામા છાતીના ઝાટકા લઈ