આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૪૩
 

ખેડુતે આઠ આઠ ડાબલાની પડઘી સાંભળી, તેવો એ કોદાળી ખંભે નાંખીને ભાગ્યો. ભાગતાની વાર તો રાઠોડ ધાધલે બરછી ઉગામી, ઘોડી દોડાવી, પડકારો કર્યો કે “યાં ને યાં ઉભો રહી જાજે જુવાન ! નીકર હમણાં પરોવી લીધો જાણજે !”

ભયભીત કણબીએ પાછું વાળીને જોયું. બરછી ચમકતી દીઠી. બહારવટીયાઓની નિશાનબાજીને એ જાણતો હતો. ભાગે તો જીવનો ઉગારો નથી એમ સમજી થંભી ગયો. હાથમાંથી કોદાળી પડી ગઈ. હાથ જોડ્યા. બૂમ પાડી કે “એ બાપા ! તમારી ગૌ ! મને મારશો મા !”

“એલા કેમ અમારાં ખેતર ખેડછ ? અમારા રોટલા આાંચકીને શું તારો ઠાકોર પોતાની કોઠીયું ભરશે ? બોલ, નીકર વીંધી લઉં છું.” જેગીદાસે ધમકી દીધી.

“ભૂલ થઈ બાપા ! અટાણ લગી મને કોઈએ કનડ્યો નો'તો તે ભૂલ થઈ. હવે મને મેલી દ્યો. ફરી વાર બાપાનું બારવટુ પાર પડ્યા મોર્ય હું આ દૃશ્યમાં ડગલું જ નહિ દઉં.”

“ખા ઠાકરના સમ !"

“ઠાકરના સમ !”

“ઠીક, અને આ કાનનાં કોકરવાં ને ફુલીયાં ક્યાંથી પેર્યા છે ? અમે રોટલા વિના રઝળીએ ને તમે સંધા અમારી જમીનું ના કસ કાઢીને સોને મઢ્યા ફરશો ? કાઢી દે સટ. અમારે બે ત્રણ દિ'ની રાબ થાશે. કાઢ્ય.”

“કાઢય સટ, નીકર હમણાં આ કાકી છૂટી જાણજે.” એવો રાઠોડ ધાધલનો અવાજ આવ્યો. કણબી જુવાન એ અવાજ દેનારની સામે જુવે તો રાઠોડ ધાધલના હાથની આંગળીઓ પર ચકર ચકર ફરતી બરછી ભાળી. ફડકીને બીજી બાજુ જુવે તો જોગીદાસને ડોળા તાણતો ઉભેલ દીઠો. જાણે કાળનાં બે જડબાં ફાટેલાં હતાં, વચ્ચોવચ્ચ પોતે ઉભો હતો. જરાયે આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી.