આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સોરઠી બહારવટીયા:૨
 


“ઓ બાપા !” આડા હાથ દઈને એ બેાલ્યો; “મને મારશો મા ! હું કાઢી દઉં છું ”

અઢાર વર્ષનો દૂધમલીયો કણબી : મહેનતુ, ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડુત : જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોક્ખું લાલ ચણોંઠી જેવું લોહી ઉછાળા મારી રહ્યું છે : જેને અર્ધે માથે કપાળ ઝગારા મારે છે : એવા આભકપાળો જુવાન : કડીયા ને ચારણીની કોરી નકોર જોડી : કડીયાને છાતીએ કરચલીયાળી ઝાલર અને કસોનાં ઝુમખાં : પકતી ચોરણીની નાડીએ એક દોથો પચરંગી ઉનનાં ઝુમખાં ઝુલે છે : પગમાં નવી મોજડીઓ પહેરી છે : માથાની લાંબી ચોટલીમાંથી બે ઘાટી લટો બેય ખંભા ઉપર ઢળી છે : એવો, કાળી ભમ્મર ને સાફ બે આંખોવાળો રૂપાળો કણબી જુવાન “એ બાપા, મારશો મા !” કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના સાચા સેાળવલા સોનાની ચાર ચીજો કાઢવા લાગ્યો : ફકત ચાર જ ચીજો : બે કોકરવાં ને બે ફુલીયાં : કાઢતો જાય છે, રાઠોડ ધાધલની બરછી માથા ઉપર તોળાઈ રહી હોવાથી હાંફળો થાતો જાય છે. કોકરવાં ઝટ ઝટ નીકળી શકતાં નથી. કાઢી કાઢીને એ જોગીદાસે પાથરેલી પછેડીની ખેાઈમાં નાખતો જાય છે. બહારવટીયા કોઈ આવી જવાની બ્હીકમાં “ કાઢ્ય ઝટ !” એવો ડારો દે છે, જવાબમાં “મારશો મા બાપા ! કાઢું છું !” કહી કણબી કોકરવાં કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે, છૂટા પડવાની હવે વાર નથી.

તે વખતે, “મારશો મા ! એને મારશો મા ! એ બાપા મારશો મા ! ” એવી આઘેરી રાડ સંભળાણી. બહારવટીયાના કાન ચમક્યા. આંખો એ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે. વાજોવાજ દોડતી આવે છે. માથા પર કાંસાની તાંસળી, રોટલાની પોટકી ને છાશની નાની દોણી માંડી છે. તાંસળી ને દોણી ચમકતાં આવે છે.