આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૪૯
 

ઠણકો નાર થીયે, (તારૂં) ચિત ખૂમા ! ચળીયું નહિ;
ભાખર ભીલડીયે, (ઓલ્યો) જડધર મેાહ્યો જોગડા !

[હે જોગી જેવા જોગા ખુમાણ ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારૂં ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકારથી કદાપિ નથી ચળતું.]

દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ નજર કરી. તારોડીયાને અજવાળે પોતે બાન પકડેલ આદમીનું મોઢું જોયું. એ મ્હેાં મલકી રહ્યું છે અને બન્ને હાથ લંબાવીને એ આદમી બહારવટીયાને ઓવારણાં લઈ રહ્યો છે; બોલી રહ્યો છે કે

“ખમા મોળા જોગીને ! આઈ તોળાં ઝાઝાં રખવાળાં કરે, મોળા તપસી !”

“કોણ છો એલા ?”

“ચારણ સાં, મોળા બાપ ! તોળો ભાણેજ સાં !”

“નામ ?”

“નામ લખુભાઈ ! આશેં માંડવાનો રેવાશી સાં !”

“ત્યારે પહેલેથી સાચું કેમ ન કહ્યું ?”

“મોળા બાપ ! આજ શિહોરથી માંડવે પગપાળા તો પૂગાય ઈમું નૂતું, અને કણબી થયા વન્યા તોળી ઘોડીને માથે તું બેસાર એમ નૂતો. અટલેં ખોટું ભણવું પીયું બાપ !”

“અરે પણ અભાગીયા ! એટલા સાટુ તેં મારી ઘોડીને મારી નાખી !”

એટલું બોલીને ગંભીર મુખમુદ્રા વાળા બહારવટીયો હસી પડ્યો. હાથ ઝાલીને લખુભાઈ ચારણને હેઠો ઉતાર્યો. ચારણ નીચે ઉભા ઉભા ખમકારા દેવા લાગ્યો ને બહારવટીયાની ઘોડી અંધારે ગાજતી ચાલી ગઈ.