આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૫૯
 


“આપા ! આમ ભુંડાઈએ ભાગશું ? મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે ?”

“બાપ ભાણ ! બારવટીયા તો બચાય ત્યાં સુધી બચે બારવટામાં ભાગ્યાની ખોટ્ય નહિ.”

“પણ આપા ! આમ તો જુઓ આ શેલો : કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે. અને એની મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે ? એથી તો કટકા થઈ જવું ભલું. આપા ! * [૧]દેવળવાળાનું દેવસું ! પાછા ફરે."

દસ અસવારે જોગીદાસ પાછો ફર્યો, ક્યારે ફર્યો, એ ખબર ન પડી. ઓચીંતો પવન જેમ દિશા પલટાવે એમ બહારવટીએ વાટ પલટાવી. સૂસવાટા મારતો જાણે વંટોળ આવ્યો. એને આવતો ભાળતાં જ શેલાના કટકમાંથી રામ ગયા. કટક ભાગ્યું.

શેલાએ સાદ દીધો : “અરે ભણેં, કાઠીઓ ! ભાગો મા ! ભાગો મા !”

ભાગતા કાઠીઓએ જવાબ દીધો “ભણે આપા શેલા ! કાઠી કાઠીનો દીકરો એમ સાંકડ્યમાં આવુને ને મરે. ૫ડ તો દીમો જોસે બા !” [દુશ્મનને મેદાન તો દેવું જોઈએ.]

જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ! ત્યાં તો 'માટી થાજો જસદણીઆવ!' એવી રણહાક કરતા ભાણ જોગીદાસે દસે ઘોડે ભેળાં કર્યા.

“ભાગો ! ભણે ભાગો ! પડ દ્યો ! ભણે પડ દ્યો !” એવી કીકીઅારી કરતા એક સો વીસ કાઠીએ ઉપડ્યા.

શેલો સાદ કરે છે “એલા કાઠીઓ ! આ તો કાંકરા કરાવ્યા !”

ભાગતા કાઠીઓ કહે છે: “આપા શેલા ! કાંકરા ભલા ! બાકી આંહી ગરમાં જો પાળીઆ થાશે ને, તો કોઈ સીંદોર ચડાવવા ય નહિ આવે !”


  1. દેવળવાળાનું દેવસું : સૂરજદેવળ તીર્થના સૂર્ય ભગવાનનીદુહાઇ. ('સુરજ દેવળ' પાંચાળમાં આવેલું કાઠીઓનું તીર્થ છે.)