આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સોરઠી બહારવટીયા:૨
 


જોગીદાસના કાકા ભમોદરા વાળા ભોજાખુમાણના મ્હોં પરથી વિભૂતિ ઉડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા.*[૧]

દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે

અંગરેજે મલક ઉંટાકીયો, મયણ કેતોક માણ
ત્રણે પરજું તોળીયું, (એમાં) ભારે જોગો ને ભાણ !

[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો. આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જ જણા વજનદાર નીકળ્યા ]

૧૯

સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે : પચીસ વરસનાં વેર એ બે ય શત્રુઓની આંખોમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસિંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાની કરવા ભેળા થયા છે.

“લ્યો આપા ! માગી લ્યો ! ” અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો.

“માગી લેવાનું ટાણું ગયું મહારાજ ! આજ તો તમે આપો તે લઈ લેવું છે. માટે બોલી નાખો.” એમ કહીને બહારવટીયાએ ઠાકોરની અંજલિ પોતાના હાથે પકડી પોતાનું મ્હોં નમાવ્યું.

“ત્યારે આપા ! એક તો કુંડલા.”

“કુંડલા ન ખપે મહારાજ !” બહારવટીયાએ હાથ ઉંચો કર્યો.

ઠાકોર ચમક્યાઃ “આ શું બોલો છે, આપા ? કુંડલા સાટુ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે?"


  1. * આાજ એનો પણ વંશ નાબુદ થયો છે.