આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સોરઠી બહારવટીયા : ૩
 

જહાંગીરો મૂળ તો પાટણનો ખેડુતઃ પછી ભાયાતોમાં જ જમીનનો વાંધો પડ્યો તેમાં બહારવટે નીકળેલો; અને તે પછી તો કેટલાંક ડાહ્યા માણસોએ વચ્ચે પડી રાજ સાથે એનું સમાધાન કરાવેલું. પોતે પાછો પાટણમાં ખેડ કરવા માંડેલો.

જહાંગીરાએ એક વાર ખાનદાની ખોઈ બેસીને ગીગલાને લાખ રૂપીઆની ખોટ ખવરાવી હતી. ગીગાનો દિ' વાંકો બેઠેલ, એટલે વણસમજ્યાં એ ય મુરખા જહાંગીરાનો દોર્યો દોરાણો. નાઘેર પંથકમાં ગોરખનાથજીની ગોરખમઢીની જગ્યાને બાર ગામનો ગરાસ : એ ગરાસે મહંતના બે ચેલકાઓ વચ્ચે ઝગડો સળગાવ્યો. એક ચેલકાએ બીજાને ઉકેલી નાખવાનો તાલ રચ્યો. જહાંગીરાને કામ સોંપાણું. જહાંગીરાએ ગીગલાને બારવટાની ઓથે એ કાળું કામ કરી નાખવાનું માથે લીધું. મહંતના અનેક ગામને ભાંગવા જહાંગીરો ગીગલાને તેડી લાવ્યો. વાળુ ટાણે અજોઠામાં મહીયાની હાકલ પડી. પણ સારે ભાગ્યે બજારમાં જ ગીગા એકને બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે ગીગાને કહ્યું કે “ફટ છે તને ગીગા ! ધરમનો થાંભલો ગીગો ઉઠીને ભેખ મારવા આવ્યો છો ?”

ગીગો ચમલ્યો, ગરદન ફેરવીને જહાંગીરાને પૂછ્યું, “કાં ભેરૂ ! આ શી રમત છે ?”

ગીગલાની કરડી આંખ જહાંગીરાના કલેજામાં પેસી ગઈ. સાચી વાત આપોઆપ બહાર આવી ગઈ.

“ગોર !” ગીગો બ્રાહ્મણ તરફ વળ્યો; “તમે મારું સતમાતમ રખાવ્યું. તમને રંગ છે, ને જહાંગીરા ! તને ફટકાર છે.”

એટલું કહીને ગીગો બહાર નીકળ્યો. એણે સીમાડે જઈને કાંઈક વિચાર કરી લીધો. પોતાના ભાઇ પુનીયાને કહ્યું કે