આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૪૧
 


“નાઘેરમાં આવ્યા છીએ તો ઠાલે હાથે નથી જવું. હાલો બીજ માથે પડીએ.”

નાઘેરમાં સરસ્વતી નદીને કાંઠે બીજ નામનું ગામડું છે. જેવું એનું નામ એવી જ એની રૂડપ. લોકો પહેલા પોરની મીઠી નીંદરમાં પડેલાં તે વખતે લૂંટારા છાનામાના ગામમાં પેસી ગયા. સડેડાટ સરકારી ઉતારા પર પહોંચ્યા. ભેળો જાણભેદુ હતો તેને પૂછ્યું કે “ઓસરીએ ઈ ઉંચા ઢોલીઆ ઉપર કોણ સુતું છે ?”

“પાટણવાળા દેસાઈ ઉદેશંકર.”

“ઉદેશંકર કાકા ? તયીં તો સાવધાન રેવા જેવું. જો જાગી ગયો તો ઈ નાગરબચ્ચો આપણા પાંચને ઠામ રાખશે.”

હળવે પેંતરે ઢોલીએ પહોંચી જઈને ગીગલો એ સુતેલા પડછંદ આદમીની છાતી ઉપર ઉઘાડો જમૈયો લઈ ચડી બેઠો. ઉંઘતો આદમી જાગ્યો. અંધારે તારાનાં તેજમાં છાતી ઉપરનો માણસ ઓળખાય નહિ. પૂછ્યું “કોણ તું ?”

“ઉદેશંકર કાકા ! ન ઓળખ્યો મને ?”

“ગીગલો કે ? હે કમતીઆ ! મારે ને તારે શું વેર હતું કે આમ ચોરટાની જેમ છાતીએ ચડી બેઠો ? હે બાયલા ! પડકારીને ન આવી શક્યો ? મરદનાં પારખાં તો થાત !”

"કાકા, મારે ક્યાં તમારી હારે વેર છે ? તમે તો સોમનાથજીના ગણ છો. પણ તમે એકવચની અને ધરમવાળા કહેવાઓ છો એટલે તમને મારા અંતરની બે વાતું કહેવા આવ્યો છું.”

“તો કહે.”

“ના, આંહી નહિ, ગામ બહાર હાલો.”

“ભલે હાલો.”

અંધારે અંધારે, ઉદયશંકર દેશાઈએ પોતાની ડોકમાંથી હેમનો સાતસરો હાર સેરવીને ઢોલીઆ નીચે પાડી નાખ્યો. પોતે ઉભા થયા. લૂગડાં પહેરવા લાગ્યા.