આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૪૫
 


ગીગો ચાલી નીકળ્યો. એનું હૈયું એને ડંખવા લાગ્યું હતું. બારવટાનાં પાપ એની આંખ સામે ઓળારૂપ ઉભાં થતાં હતાં. મનના સંતાપ શમવવા માટે ગીર છોડીને પોતે કોઈ એક ગામમાં પોતાના એક ફકીર જાતના ગામેતી ભાઈબંધ મોરલીશાને ઘેર આવ્યો. ને ત્યાં જ છુપાઈને રહેવા લાગ્યો.

૧૧

થોડે દિવસે મોરલીશાનાં લગન થતાં હતાં. જાન માંગરોળ ગામે જવાની હતી. મોરલીશાએ ગીગાને કહ્યું “ગીગા મૈયા, તમારે જાનમાં આવવું જોશે.”

"ભાઈ ! મને લઇ જવો રેવા દે ચારણ્યુંએ મને એક મહિના સુધી ગામતરે ન ચડવાનું નીમ દીધું છે.”

“અરે યાર ! એ તો ગામ ભાંગવા જવાનું નીમ. અને આ તો જાનમાં આવવાનું છે. એમાં નીમ આડે ન આવે.”

“પણ ભાઈ ! વખત છે ને હું ઓળખાઈ જઈશ તો બીજું તો કાંઈ નહિ, પણ તારો વીવા વણસી જશે."

“કોઈ નહિ ઓળખે. હાલો. બાકી ગીગો જાનમાં ન હોય તો મારે પરણવા જવું હરામ છે."

ગીગો મિત્રની જાનમાં ચાલ્યો. બારવટીયો વતું તો કરાવે નહિ, અને લૂગડાં પણ લીલી અટલસનાં પહેરે, એટલે લાગે ફકીર જેવો. કોઈ ઓળખે તેમ નહોતું. પણ જાન તરફથી માંગરોળમાં એક દાયરો કરવામાં આવ્યો. ગામનાં કસુંબો લેનારાં તમામ માણસોને દાયરે કસુંબો પીવા આવવાનું નોતરૂં દેવાણું. એમાં શેરગઢ ગામનો દયારામ નામે એક બ્રાહ્મણ પણ બંધાણી હોવાથી જઈ ચડ્યો. મહીયાના મુલકમાં રહેનાર એ બ્રાહ્મણે ગીગા મહીયાનું મ્હોં ઓળખ્યું. બોલી ઉઠ્યો, “ઓહો ગીગા મકા ! તમે આંહી"