આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સોરઠી બહારવટીયા : ૩
 


“ચુપ !” ગીગાએ નાક પર આંગળી મૂકી.

પણ દાયરામાં એ વાત અછતી ન રહી. રાજદરબારમાં ખબર પહોંચી ગયા, અને રાજખાતામાં મસલત ચાલી : “શી રીતે ઝાલવો એને ? જીવતો તો ઝલાશે નહિ. ઉઘાડે ધીંગાણે તો આપણા કૈંક જણ ઉડી જશે. માટે પહેલાં તો એને બેભાન બનાવો.”

આંહીં દાયરો ચાલે છે, ત્યાં તો મોરલીશા જમીનદારના માનમાં રાજ તરફથી દારૂ, માજમ, મફર વગેરે કેફી પદાર્થોની બનાવેલી મીઠાઈઓના ખૂમચા આવવા લાગ્યા. આગ્રહ કરી કરીને સહુને ખવરાવવા લાગ્યા. ગીગો દારૂ નહોતો પીતો, પણ તે દિવસના ગુલતાનમાં એણે હદ બહારનો કેફ કર્યો. બહારવટીયા અને એનાં માણસો કેફમાં બૂડબૂડાં થઈ ગયા. હવે એ લોકો હથીઆર ચલાવી શકે તેમ નથી એવી બાતમી પહોંચતા તો દરબારી ગીસ્ત ભરી બંદૂકે છૂટી.

“ગીગા મહીયા ! દગો ! ગીસ્ત આવી !” એવી બૂમ પડી. ઘેનમાં ચકચૂર બહારવટીયા ચમક્યા. લથડીયાં લેતા ઉઠ્યા. ઉગમણે દરવાજે ભાગ્યા. બ્હીકને લીધે કેફ થોડો કમી થયો. પણ ગીસ્ત એનાં પગલાં દબાવતી દોડી. બરાબર [૧]મકતૂજાનીયા પીરની દરગાહ પાસે બેહોશ થઈને ગીગો ઉભો રહ્યો. બીજા બધા આંબલી પર ચડી ગયા. અને પોતે ગીસ્ત આવી પહોંચે તે પહેલાં પોતાને જ હાથે પેટ તરવાર ખાઈ ઢળી પડ્યો. ગીસ્તનાં માણસો આવી પહોંચ્યાં ત્યારે ગીગો છેલ્લા શ્વાસ લેતો હતો. ઓચીંતું એને કંઈક યાદ આવી ગયું. એણે પડકારીને કહ્યું કે


  1. ** સૈયદ મખદૂમે જ્હાનીયાં, સૈયદ સિકંદર જહાંનીયાં વગેરે પીરો માંગરોળમાં પહેલા મુસલમાન સંતો હતા અને શાહ આલમ સાહેબના શિષ્યો હતા. તેમને મળેલું ગામ મક્તમપોર પહેલાં દેવલપુર કહેવાતું. રા' મંડળિક ૫ર મહમૂદ બેગડાને ચડાવી લાવનારા એ લોકો જ હતા એમ કહેવાય છે.