આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સોરઠી બહારવટીયા : ૩
 
૧ર

વાં ઘેલૂડાં એ જુગનાં માનવી હતાં ભાઈ ! મોતને ભારી મીઠું કરી જાણતા. મેં તો તમને બે ય જાતનાં મોત વર્ણવી દેખાડ્યાં. બેમાંથી કયું ચડે એ તો તમે સમજો. આ અમારો ઇતિહાસ.

“આટલો બધો ઈતિહાસ તમને કડકડાટ મોઢે ?” મહેમાન જાણે સ્વપ્નામાંથી જાગ્યો.

“અમે તો ભાઈ, અભણ માણસ : અમારા ઘરની વાતો અમે ક્યાં જઈ આળેખીએ ? કયાં જઈ વાંચીએ ? એટલે કાળજાની કોર ઉપર કોતરીને રાખીએ છીએ. છોકરાંઓને અને બાયુંને શીખવીએ છીએ; ને તમ જેવા કોઈ ખાનદાન આવે તો એને અંતર ખોલીને સંભળાવીએ છીએ. બાકી તો આજ આ વાતોને માનવા યે કોણ બેઠું છે ? અને સહુને કાંઈ પેટ થોડું દેવાય છે ? આજે તો ચોય ફરતો દા' બળે છે.”

ઓચીંતાંની ઘેાડીઓએ હાવળ દીધી. ભૂતકાળના ઇતિહાસમાં ભમતો મહીયો જુવાન ઝબકીને પાછો ભાનમાં આવ્યો. ગામનો કોઠો કળાણો. કોઠા ઉપર બેઠું બેઠું અધરાતે એક ઘૂવડ બોલતું હતું. મુવેલાંને સંભારી સંભારીને મા જાણે મરશીયા ગાતી હતી.