આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદુ મકરાણી
૬૧
 


થોડી વાર ફોજે ખામોશ પકડી. અઢીસોની સામે તેર નવજુવાન મકરાણીઓ એવા રૂડા લાગતા હતા કે ફોજ આખી જોઈ રહી. ત્યાર પછી તો તોપ ચાલી. પણ સામા તેર જણાએ પોતાની અચૂક બરક઼ન્દાજીથી એ બે તોપોના બળદોનો સોથાર વાળી નાખ્યો. ગોળીઓની ઝડી વરસી રહી છે ત્યાં તો૫ ભરવા તો શું પણ તોપની પાસે જવા યે ફોજનો કોઈ આદમી તૈયાર નહોતો. ફક્ત એક આદમી તોપખાના પાસે ઉભો હતો. એનું નામ નાયબ હાશમભાઈ: રાજના વંશપરંપરાના તોપચી.

“જુવાનો !” તેર મકરાણી જુવાનોની અંદરના આગેવાન વજીરમહમદ બોલ્યા: “ જોજો હો, હાશમભાઈને જોખમતા નહિ. એ ભલો ઉભો. હજી એની કાચી જુવાની છે. એને નથી મારવો.”

બહાદૂર હાશમ ઉભા હતો, પણ દુશ્મનો એને જાણી બુઝીને બચાવી રહ્યા છે તેની એને ખબર નહોતી.

તોપો ભરાતી નથી, કે નથી પેદલ ફોજ આગળ પગલું ભરી શકતી. ઇણાજના બરકંદાજો જાણે મંત્રી મંત્રીને બંદૂક છોડે છે ! અને આઘેરી આંબલીની ઘટામાંથી એ કોની બંદૂક ગોળીઓનો મે વરસાવી રહી છે ? કોઈને ખબર પડતી નથી. કોઈ આદમી કળાતો નથી. ફક્ત ધૂમાડાના ગોટા ઉઠે છે. થોડી વાર સુધી તો ફોજવાળા મુંઝાઈને ઉભા થઈ રહ્યા. પછી તેઓએ એ ધૂમાડાનું નિશાન નોંધીને એક સામટી બંદૂકોની ધાણી વ્હેતી કરી.

ઉભો ઉભો ગોરો સ્કૉટ સાહેબ પગ પછાડે, અંબારામ ભાઈ ધુંવાં ફુંવા થાય, આગળ વધવાની આજ્ઞાઓ આપે, પણ ફોજ થીજી ગઈ હોય તેવી થઈને ઉભી રહી. આખરે બે ગાડાં ઉભાં કરીને ઠેલતા ઠેલતા તોપની પાસે લાવ્યા અને ગાડાંની ઓથે તોપો ભરી ભરીને દાગવી શરૂ કરી. પહેલે જ ધૂબાકે ગામનાં ખોરડાં ઢગલા થઈ ઢળી પડ્યાં, બે ચાર મકરાણી જુવાનોને પણ ઢાળી દીધા છતાં જુવાન બેટા વજીરમહમદનો મોરચો ચાલે જ જાય છે. બાઈઓ બદૂકો ભરી ભરીને દેતી જાય છે