આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સોરઠી બહારવટીયા : ૩
 


“હુશીઆર !” એટલો જ શબ્દ એણે ફોજની સામે જઈને કહ્યો. બંદૂક ઉપાડી. છાતીએ ચડાવીને છોડી, ગોળી ફોજમાં જઈને ચોંટી. બડા મીંયા નામે માણસને પાડ્યો. બસ, અલીમહમદે બંદૂક ફેંકી દીધી.

પછી તમંચો ખેંચ્યો. છોડ્યો. મકરાણી પોલીસ હવાલદાર દોસ્તમહમદને પાડ્યો. બસ, તમંચો પણ ફેંકી દીધો. છેલ્લી એણે તલવાર ખેંચી, ફોજને પડકારી, સામે દોટ દીધી. સામેથી ચાલીસ-પચાસ બંદૂકોની ગોળીઓ છુટી. સાવઝ પડ્યો. પણ પડતી વેળા એનો હાથ જમૈયા પર હતો, અને એના હોઠમાં કંઈક શબ્દો ફડફડતા હતા.

એને વેરાવળના કબ્રસ્તાનમાં દાટેલ છે.

સાંજ પડવા માંડી હતી ત્યાં જ બધું પૂરું થઈ ગયું. મરેલાઓની લાશો ગોતાવા લાગી. લાશો ગોતતાં ગોતતાં કોઈનું ધ્યાન આંબલીના ઝાડ માથે ગયું. ત્યાં ઉંચી ઉંચી ડાળ્યે એક લોથ લટકતી હતી. લોથ નીચે ઉતરાવી. એાળખાયો : આ તો ઇણાજનો મકરાણી જુવાન દીનાર: ઓલ્યો આંબલીની ઘટામાંથી સવારથી સાંજ સુધી ગોળીઓના મે વરસાવનારો : આંબલીની ડાળ સાથે ફેંટાથી પોતાનું શરીર બાંધીને એ લડેલો લાગ્યો. એનાં પેટ, પેડુ અને છાતીમાં આઠ જખ્મો હતા. અને દરેક જખ્મના ખાડામાં લૂગડાંના કટકાના ગાભા ખોસેલા નીકળ્યા. એ ચીથરાં એના પોતાના જ કપડામાંથી ફાડેલાં હતાં. શું એ શૂરો જુવાન ગોળીઓ ખાતો ખાતો જખ્મોમાં ગાભા ભરી ભરી તે ઉપર ભેટ કસકસાવીને આંબલીને ઝાડેથી દિ' આથમ્યા સુધી લડતો હતો ! શું છેલ્લી ગોળી અને છેલ્લો દમ ખૂટ્યાં ત્યાં સુધી આ જુવાન ઝુંઝ્યો હતો ! દેસાઈ હરભાઈ કહેતા કે “મેં જ્યારે એની કમર છોડાવી ત્યારે તૂર્ત જ એનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં ને અમલદારો આફ્રિન ! આફ્રિન ! કરતા ખુરસી પરથી ઉભા થઈ ગયા હતા.