આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સોરઠી બહારવટીયા : ૩
 

"એક દિવસમાં એક ગામ ભાંગે તો સમજજો કે સાધુએ ભાંગ્યું ! અને ત્રણ ગામ ભાંગે તો કાદુએ ભાંગ્યું સમજજો !”

એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રૈયતને રંઝાડવા નીકળી પડ્યો. પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર છે: અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ છે, સનવાવવાળા જમાદાર સાહેબદાદનો બાર-ચૌદ વરસનો દીકરો ગુલમામદ છે, બે સીદી છે, ને બાકી ખાટસવાદીઆ ભળ્યા છે. સાદાં લૂગડાં પહેરે છે. બીજા બહારવટીયાની માફક વરરાજાનો વેશ નથી ધર્યો. ભેળો નેજો પણ નથી રાખ્યો. ખભે બંદૂક લઈને પગપાળા જ ચાલે છે. ઉંટ ઘોડું કાંઈ રાખતા નથી. રોજ પાંચ વખત કાદુ નમાઝ પડે છે. અને સાથોસાથ ગામ ભાંગી જુલમ વર્તાવે છે. રોજ ત્રણ ત્રણ ગામડાં ઉપર પડતો ત્રીસ ત્રીસ ગાઉની મજલ ખેંચે છે. આસપાસના ગામેતીઓ, તાલુકદારો, મકરાણીઓ વગેરે એને ઉતારા આપે છે. એની પાછળ જુનાગઢે અને એજન્સીએ પોતાની બધી શક્તિ રોકી દીધી છે. બહારવટીયાનાં માથાનાં ઈનામો જાહેર થયાં છે: કાદુ અને આબાબકરના અકકેક હજાર રૂપીઆ, દીનમામદ અને અલાદાદના પાંચસો પાંચસો : બે સીદીઓના પણ પાંચસો પાંચસો. એમ પણ કહેવાય છે કે કાદુના માથા સાટે ૨૦ સાંતી જમીનનું નામ નીકળેલું.

રાતના દસ બજ્યાની વેળા થઇ હશે. ગામડીયાં લોકોની અંદર સોપો પડી ગયો હતો. ગીરના માતબર મહાલ ઉના મહાલનું તડ નામે અંધારીયુ ગામ : ઝાઝા ચોકીઆત ન મળે કે ન મળે પૂરાં હથીયાર: એમાં કાદુ પડ્યો. એ તો હતો નાણાંની ભીડમાં, એટલે પહોંચ્યા વાણીઆના ઘર ઉપર. મૂછાળા