આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સોરઠી બહારવટીયા : ૩
 

જણા કાદુની સામે કાલાવાલા કરો છો એમાં તમારી સિપાહીગીરી ક્યાં રહી ? પણ તમને સિપાહીગીરીની ઇજ્જત કરતાં જાન અને ઓરત વધુ વ્હાલાં છે. જાઓ, લઈ જાઓ હથીઆરો !”

સોનારીઆ ગામમાં ગીસ્ત પર તાશીરો કરી લૂંટફાટ વર્તાવી.

બાદલપર લૂંટ્યું.

મેઘપર લૂંટ્યું.

વાંસાવડ લૂટ્યું.

સોલાજ લૂંટીને પટેલને શરીરે ડામ દીધા.

ભરોલામાં દિવસ આથમતે પડ્યા. ત્યાં રબારીઓનું થાણું હતું. પહેરાવાળાઓને પકડી, હથીઆરો આંચકી લઈ ઘરમાં પૂર્યા. ગામ લૂટ્યું. પછી તલવારો પાછી આપી ચાલી નીકળ્યા. ભીમદેવળ, ઝીલાલા ને તરસૂયા લૂંટ્યાં.

ઝંથલ ગામમાં હાટી લોકોની વસ્તી હતી. ત્યાં પડીને કાગડા શાખના હાટી રામા પટેલને પકડ્યા. હાટીઓને ખબર પડતાં જ તેઓ ઢાલ તલવાર લઈને નીકળ્યા. કાદુએ એને આવતા દેખીને ચેતવ્યા કે

“જુવાનો ! શીદ મરો છો ? તમે ભલા થઈને ચાલ્યા જાઓ. અમે તમારી બથમાં નહિ સામીએ.”

હાટી જુવાનો હેબતાઈને ઉભા રહ્યા. પણ પાછળ હટતા નથી, તેમ આગળ ડગલું દેતા નથી. કાદુએ થોડી વાટ જોઈ. આખરે જ્યારે હાટીઓએ ચોખવટ ન જ કરી, ત્યારે પછી કાદુએ એને ગોળીએ દીધા. હાટીઓએ એ ઘા સામી છાતીએ ઝીલ્યા.

માડણપૂરાના મકરાણીની એક દીકરી હતી. ફાતમા એનું નામ હતું. જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા. પાણીદાર મોતી જેવું એનું રૂપ હતું, એણે કાદુને આખી સોરઠ