આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
સોરઠી બહારવટીયા : ૩
 

“નહિ મળે.” શેઠે વેણ ટુંકાવ્યાં.

“અરે શેઠ, અભ્યાગતને ના પાડો છો, પણ કાદુ આવ્યો હોય તો કેમ આપો ?”

પડખે લોઢાની દસશેરી પડી હતી તે બતાવીને લુહાણો બોલ્યો “કાદુ આવે અને અડપ ચડે તો એનું માથું ય આ દસશેરીથી ભાંગી નાખીએ, સમજ્યા ? રસ્તે પડી જા અટાણમાં.”

ફકીર ચાલ્યો. એક મોચીની દુકાન આવી. તૈયાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું “ભાઈ, એક જોડ્ય પગરખાનું શું લઈશ ?”

“દોઢ રૂપીઓ.” મેાચી બેપરવાઇથી બોલીને પાછો સીવવા લાગ્યો.

“હું અભીઆગન છું, પગે બળું છું, પાસે વધુ પૈસા નથી, માટે સવા રૂપીએ આપને ભાઈ ?”

“બહુ બોલીશ તો પોણા બે બેસશે.” મેાચી ઉલટ ભાવ ચડાવવા માંડ્યો.

“અરે ભાઈ, ઉલટો વધછ ?”

“તો બે પડશે.”

“એમ છે ? કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દ્યો ?”

હાથમાં વીંગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું “કાદુ આવે ને, તો કાદુને ય આ વીંગડા ભેળો ટીપી નાખીએ. સમજ્યો ને ? જા રસ્તે પડ.”

ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો. બજારે બોલતો જાય છે કે “એાહોહો ખુદા ! આ ગામમાં મને ચપટી સૂકો ન મળે તો રોટલો તો મળે જ શેનો ?"

“કેમ સાંઈ?” એક કણબણ પાણી ભરીને આવતી હતી તેણે પૂછ્યું : “કેમ બાપા ? ગામ જેવું ગામ છે, ને કોઈને રોટલાની ના હોય ? હાલો મારે ઘેરે. ”