આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૨૫
 


“લાખુબાઈ બેન ક્યાં ? એને બોલાવીને બેય જણીયું આંહી આવો. મારે કામ છે.”

બેય બહેનો ઓરડામાં આવી. મા જેવી માના વિજોગનાં આંસુ હજુ બેય બંનેની આંખોમાંથી સૂકાણાં નહોતાં. ભાઈના મનસૂબાના ભણકારા પણ બેયને હૈયે બોલી ગયા હતા. ભાઈ શું કરી રહ્યો છે તેની ગમ પડતી નથી. ત્યાં તો આજ બેય બેનોએ ઓરડામાં શું જોયું ?

ઘરની તમામ ઘરવકરીના બે સરખા ઢગલા ખડકીને વચ્ચે ભાઈ ઉઘાડે માથે બેઠો છે. ઘરની ભીંતો ઉપરથી ચાકળા, ચંદરવા, ઘરનાં ગોદડાંના ગાભા, ખુણે ખુણે પડેલી નાની મોટી જણશો, જે કાંઈ હતું તે તમામ ઉસરડીને ભાઈએ બે ઢગલા કરેલા છે : બેય ઢગલા સરખા વ્હેચવાનું ધ્યાન એટલે સુધી પહોંચાડ્યું છે કે એકમાં તાવીથો, તો બીજામાં કડછી મૂક્યાં છે. ભીંતમાંથી ખીંતીઓ પણ ઉતારીને ઢગલામાં ભાગે પડતી વ્હેંચી નાખી છે. એવી વચ્ચે વિખરાયેલાં ઓડીયાં વાળો, કરડો, કુમળો, કેરીની ફાડ જેવી મોટી રૂપાળી પણ રાતીચોળ આંખોવાળો, સાત ખોટનો એક જ ભાઈ બેઠો છે. એક બીજી સાથે સંકડાઈને ઉભેલી બેય બેનોને ભાઈએ કહ્યું “બેય જણીયું અક્કેક ઢગલો ઉપાડીને ભરી લ્યો ગાંસડીયું.”

બેનોથી બોલી ન શકાયું. થોભીને બેય જણીએા ઉભી થઈ રહી.

“ઝટ ઉપાડી લ્યો.” રામે ફરીવાર કહ્યું. જાણે કે ગળાની અંદર સંસારની તમામ મીઠપને ભરડી નાખવા રામ મહેનત કરી રહ્યો છે.

નાનેરી બેન લાખુબાઈનો સાદ તો નીકળી જ ન શક્યો. મોટેરી માકબાઈએ નીતરતે આંસુડે આટલું જ કહ્યું કે “ભાઈ ! બાપા ! આમ શીદ કરી રહ્યો છે ? અમારી દૃશ્ય જ સંચોડી દેવાઈ જાય છે, રામભાઈ !”