આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
સોરઠી બહારવટીયા : ૩
 


પછી ગોલણને, કારજે આવેલા કૂબડાવાળા ગોદડ ને નાગ નામના બે ભાઈઓને, તથા ટીડલાવાળા વીસામણને ભેળા કરી રામ ઘરની અંદર છેલ્લી વારની મસલત કરવા બેઠો, રામે વાત ઉચ્ચારી “કહો ભાઈ નાગ ગોદડ ! હું તો ગળોગળ આવી ગયો છું. તમને પણ કુબડામાં ભૂરો પટેલ સખે બેસવા દ્યે એમ નથી. તો હવે શો સ્વાદ લેવો બાકી રહ્યો છે ?”

“જેવો તમારો ને ગોલણભાઈનો વિચાર.”

ગોલણે કહ્યું “મેં તો ક્યારની રાખ નાખી છે. રામભાઈએ પણ હવે ભૂંસી લીધી. તમારૂં મન કહો.”

“અમે તૈયાર છીએ. ને વીસામણ તું ?”

“હું ય ભેળો.”

“તયીં ઉપાડો માળા !”

દરેક સંગાથે બહારવટે નીકળી વફાદાર રહેવાના સોગંદ ખાઈ સૂરજની માળા ઉપાડી. અમુક દિવસે અમુક ઠેકાણે મળવાનો સંતલસ કરી સહુ નોખા પડ્યા. સહુ પોતપોતાની તૈયારી કરવા ઘેરે ગયા.

ઠરાવેલ દિવસે રામ વાવડીથી નીકળ્યો. પ્રથમ ગયો ડીટલે. વીસામણને કહ્યું “કાં ભેરૂ, હાલો ઉઠો.”

“હેં....હેં રામભાઈ !”

વીસામણ ગેં ગેં ફેં ફેં થઈ ગયો. “આવા કોડણને ભેળો લઈ શું કરવું છે ?” એમ વિચારી રામ ચાલી નીકળ્યો. કૂબડે ગયો. જઈને હાકલ કરી “નાગ ગોદડ, ઉઠો, જે બોલો સૂરજદેવની. પ્રથમ હીંગળાજ પરસી આવીએ.”

“પણ ખરચી જોશે ને ?”

“તો કૂબડા ભાંગીએ.”

“આજ ફાગણ શુદ પૂનમ છે. હોળીનાં શુકન લઈ લેશું ?”

"ક્યાં જાશું ? આંહી તો ઓળખાઈ જાશું.”