આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૩૫
 

લઉં.” એમ કહી રામ માણસો ગણવા લાગ્યો: એક, બે, ત્રણ ...નવ ને દસ.” દસની સંખ્યા થાતાં રામ ચમક્યો : “એલા આપણે તો નવ છીએ ને ?”

“રામભાઈ, ફેર ગણો તો ?”

“એક, બે, ત્રણ ચાર......નવ ને દસ.”

“આમ કેમ ?”

“ઠીક ઠીક ! કાંઈ નહિ, કાંઈ નહિ. હાલો છાનામાના. દસમો સૂરજ. સુરજ આપણી ભેરે છે. ”

એમ સમજી સમજાવીને રામે શ્રીફળ કાઢ્યું. પાદરના હનુમાનની દેરીને ઓટે શ્રીફળ વધેર્યું. ધોળો ફુલ જેવો ગોટો નીકળ્યો. “હાંઉ ! બસ ! શુકન પાક્યાં. હાલો હવે.”

ગામમાં જઈ રામ એકલો સૂરજના પંજાવાળો લીલો નેજો ઝાલીને ગામની બજારમાં ટેલવા લાગ્યો અને આઠ જણાને કહ્યું કે “તમે લૂંટ કરો. પણ આટલી ગાંઠ વાળજો ! લૂંટ કરવામાં કોઈ બાઇ બેન દીકરીને અંગે અડશો મા. એના ડીલને માથે હજારૂંના દાગીના પડ્યા હોય તો ય જીવ બગાડશો મા. નીકર રામ ગોળીએ દેશે. બાકી વિના કારણ કોઈનો જીવ લેશો મા. મારકુટ કરવામાં મરજાદા ન છાંડજો. નીકર ગાયકવાડીને ડોલાવી શકશે નહિ અને સુરજ આપણી ભેળો હાલશે નહિ.”

એ બધાં નીમો પળાવવા માટે રામ ચોકી ભરતો ઉભો. ભેરૂ લૂંટે ચડ્યા. બે પટેલોને મારી ઘાયલ કર્યાં. રૂા. ચાર હજાર લઈ ચાલ્યા ગયાનું બોલાય છે. ગામમાંથી નીકળતી વખત સૂરજની જે બેાલાવી. તે દિવસ તા. ૩-૭-૧૯૧૪ હતી.

એજ રાતે ખોડપરૂં ભાંગ્યું. પછી તો ગામને પાદર પોતાના જણની સંખ્યા ગણી શુકન જોવાની રીત થઈ પડી. દસ ગણાય તો જ હનુમાનને શ્રીકળ વધેરી ગામમાં પેસે. નહિ તો સુરજની ના સમજી ચાલ્યા જાય.