આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૩૯
 


“પછી બરડો મલક સાંભરશે નહિ કે ? રબારી છો એટલે ગાયુંની માયા લાગશે નહિ કે? આ તો બારવટું છે હો ભાઈ ?”

“પારખું કરી જુવો. નીકર બંધૂકે દેજો ને ?” મેરૂ રબારીએ જવાબ દીધો.

“ઠીક. હાલો ત્યારે ભેળા.”

જે મેરૂ રબારીએ આખરે બહારવટીયાની બાતમી દઈ દીધી હતી તે આ ચકોહરને ડુંગરે ભળ્યો. નવ હતા તેના દસ થયા. નાની ધારી ગામનો હમીરવાળો ટોળીને લઈ ઇંગોરાળા ઉપર ચાલ્યો.

સાંજની રૂંઝ્યો રડી ગઈ છે. આઘાં આઘાં ગામડાં વચ્ચેની ઉજ્જડ, નેરા ખાતરાંથી ભરેલી, ખાઉં ! ખાઉં ! કરતી એકાન્તમાં એક ભરજુવાન અને દેખાવડી કુંભારણ ગધેડું હાંકીને હાલી આવે છે. ઓચીંતું એને અસૂર થઈ ગયું છે. કાઠીના મુલકમાં જુવાન બાઈ માણસ કવેળાનું હાલી ન શકે એ પોતે જાણે છે. ગધેડાને ડચકારા કરતાં પણ વગડો વહરે અવાજે ચાંદૂડીયાં પાડી રહ્યો છે. એમાં એ કુંભારણે હાદાવાવ ગામને સીમાડે આઠ દસ લાંબા, કાળા પડછાયા દીઠા. થડકી. થોડીક વારે વાતોના સૂર સંભળાણા. બાઈ ગધેડાથી અળગી હાલી રહી હતી તેને બદલે હવે એને માથે હાથ મેલી હાલવા લાગી. ઘડી થઈ ત્યાં પગલાં બોલ્યાં: આથમતી સાંજનાં અંધારાં અજવાળાં વચ્ચે અગીઆર અંબાઈ રંગના બોકાનીદાર, બંદૂકીયા, દાઢીઆળા આદમી દીઠા. ગધેડી ભડકી. બાઈ પણ ગભરાઈને અંગ સંકોડી કેડાને બીજે કાંઠે ઉતરવા લાગી. તે વખતે રામવાળાએ ટૌકો કર્યો : “બ્હી મા, બ્હી મા, ભાગ્ય મા બોન ! ઈ તો હું રામભાઈ છું. ઉભી રે' બાપા ! હું બેઠે તું ને કોઈની ભો નોય.”

કુંભારણ અટકી ગઈ. આઘેરૂ એનું ગધેડું ય કાન માંડીને ઉભું રહ્યું. રામે પૂછ્યું:

“કયાંની છો બેન ?”

“ગઢીઆની.”