આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સોરઠી બહારવટીયા : ૩
 


“જાતે કેવા છો ?”

“કુંભાર.”

“ડોસા પટેલની નાતની ? ફકર નહિ. તમે બેન્યું તો મારે પૂજવા ઠેકાણું છો. આ લે બેટા, આ રામનું કાપડું.”

ખીસામાં હાથ નાખી મૂઠી ભરી. કુંભારણ બેનને બહારવટીયાએ કાપડું દીધું. કહ્યું “હાલી જા તું તારે. કોઈ તારૂં નામ ન લ્યે. કોઈ કનડે તો કહેજે કે રામભાઈની બેન છું.”

જુવાનડી અને ગધેડું ગઢીએ ચાલ્યાં ગયાં ને રામની ટોળી બરાબર રાતના ૧૦ ને ૧૧ વચ્ચેની વેળાએ દેદમલ નદીને કાંઠે ઉતરી. આષાઢ શુદ અગીઆરસની એ રાત હતી. વાદળાંની ઘટામાં ચાંદો દટાઈ ગયો હતો.

દેદમલ નદીને ઉભે કાંઠે ઇંગોરાળા ગામ પાઘડી પને પથરાઈ ગયું છે. નદીને કાંઠે જ ગામના ઝાંપા બહાર સરકારી ઉતારો છે. અંદર દીવો બળે છે. નિયમ મુજબ બહારવટીયામાંથી ચાર જણ ઉતારા ઉપર દોડ્યા. ઓરડાના બીડેલા કમાડ ઉપર પાટુ મારી સાદ પાડ્યો કે “ઉઘાડો.”

“કોણ છે એ બેવકૂફ ?” અંદર બેઠેલા એક અમલદારે કંટાળીને પૂછ્યું: “આ ગીસ્તવાળાઓને તો કાંઈ અક્કલ જ નથી. ત્રાસ કરે છે. પટેલ, કાલે તુમાર કરીને લખો પોલીસ ખાતા ઉપર.”

બોલનાર અમલદાર પોતાના બળાપા પોલીસખાતા ઉપર કાઢતો હતો. આજકાલમાં જ હંગામી ગીસ્ત આવવાની હતી એ ઓસાણ પર જઈ બિચારો મરાઠો તજવીજદાર (વસુલાતી ખાતાનો અધિકારી) આવું બોલતો હતો. પણ બારણે ઉભેલા બહારવટીયા એ ગાળો પોતાને દેવાતી માની ખીજાયા. જોરથી પાટુ મારી બારણાં તોડ્યાં. અંદર ગયા. અમલદારની પાસે બેઠેલા પટેલ પસાયતા પાછલી બારીએથી ઠેકીને દેદમલ નદીમાં ઉતરી ગયા. નિર્દોષ શંકરરાવ એકલો રહી ગયો. એને ઝાટકા દઈને બહારવટીયાએ પસાયતાની એક બંદૂક ઉપાડી, બહાર