આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૪૩
 

નીકળ્યા, નીકળીને “રામભાઇની જે !” “સૂરજની જે !” બોલાવી. રામે પડકાર કર્યો કે “ જૂઠા મૂળજી, આટલેથી ચેતજો, ગરીબોનાં રગત ઓછાં પીજો !”

એટલું બોલી પાછા વળ્યા. પડખે જ જુઠા કૂનડીઆ નામના પટેલનું અભરે ભર્યું ઘર ઉભું હતું. ગામમાં બીજાં બે ઘર હતાં લવજી શેઠ તથા ભવાન પટેલનાં: જાણભેદુ ભોમીઓ હમીરવાળો તેમ જ રામ પોતે પણ આ વાત જાણતા હતા. છતાં એને ઇંગોરાળામાંથી ધન નહોતું ઉપાડવું. ફક્ત દાઝ ઉતારવી હતી એમ લાગે છે. ચોરે આવ્યા. ત્યાં રામ વાળો હાથમાં નેજો ધરી ઉભો રહ્યો. બાકીના દસ જણા કુંડાળું વળીને તલવાર-બંદૂકો ઉછાળતા, ચોકારો લેતા લેતા ઘડીક ઠેક્યા. પછી 'જે' બોલાવતા નીકળી ગયા. પડખે જ નિશાળ હતી. બામણ માસ્તર હતો. માસ્તરના ખાટલા હેઠે છૂપાઈને જુઠા મૂળજીના ઘરના છોકરા બેસી ગયા હતા. તેની અંદર જુઠા ઠક્કરનો એકનો એક દીકરા વનરાવન પણ બચી ગયો.

૧ર

કોડીનાર પરગણાનું હડમડીયા ગામ છે: ત્યાંના વેપારી કૂરજી ખોજાને ઘેરે ગીરના ગરીબોનાં લોહી ખુબાખુબ ઠલવાય છે: જૂઠો ને મૂલજી એના હિસાબમાં નહિ એવું સાંભળીને રામે નેજો ઉપાડ્યો. હડમડીએ ઉતર્યો. રોળ્ય કોળ્ય દિવસ હતો. ધણ વેળા હતી. પાદર જઈને નેજો ખોડ્યો જણ ગણીને શુકન લીધાં. ખબર હતી કે પોલીસની ગીસ્ત પડી છે. એટલે સરકારી ઉતારામાં પેસી ગયા. લીંબડાને ચોયફરતો ઉંચો ઓટો હતો તેની ઓથે બેસી ગયા. ઓસરીમાં મોટો ફોજદાર જીવોભાઈ બેઠો બેઠો ગીસ્તને પગાર વ્હેંચે છે. નાયબ ફોજદાર એકલી સરકારી ટોપી ઓઢીને બેઠો છે. પોલીસોની બંદૂકો ખીંતીઓ પર ટીંગાય છે એમાં બરાબર ઓચીંતો ગોળીબાર થયો. હાકલ પડી. પોલીસો ભાગ્યા. બહારવટીયાએ આવીને