આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૪૫
 


બ્હેનોનાં બેય ગામડાંની દિશામાંથી નજર સંકેલી લઈને સન્મુખ આંખો ફાડતો રામવાળો વધુ ચોંપથી પગ ઉપાડવા લાગ્યો. એમ થાતાં ભાખસી અને વોવરા ગામની સીમમાં રોંઢડીયા વખત થઈ ગયો. પોતે કહ્યું કે “આ ધાતરવડી નદીના ઉંડાં નેરાં ઠીક છે. આંહી ઉતરીને નાસ્તા ખાઈ થોડી વાર વિસમીએ.”

એવી વંકી જગ્યા ગોતે છે ત્યાં રામની નજર ધાતરવડીના કોતરના ગીચ કંટાળા ને બાંટવાની અંદર ગઈ. એણે કહ્યું “ઓલ્યો અસ્વાર કોણ હશે, ત્યાં કોતરમાં ?”

એ કોણ છે તે નક્કી કરવા બધા નીચાણમાં સંતાઈને બેસી ગયા. નિરખીને જોયું ઘોડી ઉપર કોઈક એંશીક વરસનો બુઢ્ઢો આદમી છે: ખભામાં એક લાંબી નાળવાળી, રૂપાને ચોપડે જડેલી, ચારેક હાથની લંબાઈની બંદૂક છે કેડે લાંસવાળી તલવાર છે. ભેટમાં જમૈયો છે. બીજા હાથનાં ઉંડળમાં રૂપાના ચાપડા જડેલું ભાલું છે. દાઢીમૂછના કાતરા સફેદ દેખાય છે.

“ઓળખ્યો;” રામે કહ્યું, “આ તો દીપડીયાના આપો સાવઝ. આપણને ધારગણીમાં “કાતરીવાળા” કહેનારા, યાદ છે ગોલણ ?”

“યાદ છે. કહો તો આજ કાતરા–કાતરીનું પારખું કરાવીએ રામભાઈ !”

“સાચું; પણ આપાને ઓળખો છો કે ભાઈઓ ? એણે બારવટાં ખેડ્યાં છેઃ આદસીંગ ગામની વંકી ભોમમાં એકલે હાથે દીપડા હારે બથોબથ આવીને જેણે દીપો ગૂડ્યો'તો અને દીપડે આખું ડીલ ચૂંથ્યા છતાં જે નર હાલીને આદસીંગ પહોંચ્યો'તો એ મૂર્તિ આ છે ને વળી અટાણે શિકારે ચડ્યો છે. હાથમાં ભરી બંદુક છે. ”

એટલી વાત થાય છે ત્યાં એ બુઢ્ઢા શિકારીની બંદૂક વછૂટી. ધાતરવડીની ભેખડોમાં ધ મ મ મ–પડધે પડ્યો; ને કોતરે કોતરે મોરલા ગેહેક્યા.