આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સોરઠી બહારવટીયા : ૩
 

સોનેરી લુંગી વાળો હથીઆરબંધ અસ્વાર વાળાવીઓ બની આવે છે. મોવરની ટોળીએ એ અસ્વારને પકડી એનાં હથીઆર આંચકી લીધાં. સગરામ ઉભો રખાવ્યો. અંદર એક મડમ બેઠેલી એને ઉતારી, ભોંય પર પાથરણું પાથરી મડમને અદબથી બેસારી. સગરામ તપાસ્યો. પણ અંદર કાંઈ જ નહોતું. મડમને પાછી અદબથી બેસારીને સીગરામ રવાના કરી દીધો.

મા૨વાડ મુલ્કની કોઈ વંકી જગ્યામાં બહારવટીઆએ ધરતી ઉપર બેઠાં બેઠાં ધૂળમાં લીટા કરીને પોતાના સાથીએાને કહ્યું કે “ ભાઈ, ભારી ફાંકડાં નજૂમ જોવાય છે. કોઠાવાળો પીર સ્વપનામાં આવીને કહે છે કે હું છૂટી ગયો. મારો ભાઈ પેથો જામ જાણે મને તેડવા આવે છે.”

થોડી વારે મોવરને ભાઈ પેથો જામ દૂરથી દેખાણો. સહુ ભાઈએ ભેટ્યા. પેથા જામે કહ્યું “ ભાઈ મોવર ! આપણાં બાલબચ્ચાં ને એારતો વઢવાણ કાંપની જેલમાં પડ્યાં છે. હવે કાં તો તું મને ગોળીએ માર, ને કાં આવીને રજુ થા !”

“રજુ થઈને તો ફાંસીને લાકડે લટકવું ને ?”

“સાંભળ મોવર. માંડીને વાત કહું. રજુ થઈ જવાનો ખરો લાગ આવ્યો છે. એજન્સી અને રજવાડાં તોબાહ પોકારી ગયાં છે. સામન્ડ સાહેબની પ્રતિજ્ઞાની છ મહિનાની મુદ્દત ખલ્લાસ થવા આવી છે. સત્તાવાળાની ફજેતી બોલાય છે. એટલે સાહેબે કહેવરાવ્યું છે કે જો મેાવર રજુ થાય તો રૂા. પાંચ હજારનું ઇનામ મારા નામ પર કરીને તને અપાવું, અને તારો મુકદ્દમો ચાલે તેમાં તને ઉની આંચ પણ ન આવે. તારી સામે એક પણ પૂરાવા ન પડે એવી તજવીજ કરવામાં આવે.”