આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦

એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે: ગિરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાલ તેમ જ વિકટ છે, કે “ગિર તો માનું પેટ છે એવી કહેણી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વાંકા છે. પાંચાળમાં ઠાગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઉંડી ઉંડી ભાદર એાઝત જેવી નદીઓના કોતરો પણ બહારવટીઆના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ ઉપર ધોળે દિવસે ડરાવે તેવા કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડાઝર, વેજલ કાંઠો, ભાણગાળો, રાવણો ડુંગર, નાદીવેલોલ ડુંગર, પોલો પાણો, બોરીઓ ગાળો, વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઉતરી ગયા છે જુએા:

“રામવાળાનાં લગન આવ્યાં;
લગનીયાંનો ઠાઠ ગોઝારો, બોરીઓ ગાળો,
ક્યાં રોકાણો રામવાળો !”

બીજો આશરો નાના મોટા તાલુકદારોનો હતો. અનેક દ્રવ્યલાલચુઓ, અંગત અદાવતની તૃપ્તિ શોધનારાઓ, ને કેટલાક શુદ્ધદિલે દિલાસો ધરાવનારાઓ બહારવટીઆને સંધરતા હતા.

ઈષ્ટ દેવતાની પ્રતિષ્ઠા

હારવટીઓ એટલે-બેશક એની વિલક્ષણ રીતે-વ્રતધારી ને વ્હેમી. કોઇક દેવસ્થાનને આરાધે: લગભગ તમામ બહારવટીઆ પોતાના ઇષ્ટદેવની પ્રાણપ્રતિષ્ઠા કરીને જ બહાર નીકળતા અને અમૂક જાતની શારીરિક પવિત્રતાના લોપમાથી એ ઈષ્ટદેવતાનો કોપ નીપજવાનું સમજતા. ભીમો જત રોજ સવાર સાંજ જમીઅલશા પીરની દરગાહ પર લોબાન પ્રગટાવી તરબી ફેરવી પોતાની તલવારને પણ ધૂપ દેતો. બાવાવાળો રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા, ઘીનો દીવો પેટાવીને સૂરજ સન્મુખ માળા ફેરવતો : ચાહે તેવે સ્થળે હોય, પાછળ શત્રુની ફોજ ચાલી આવે, છતાં ૫ણ એ આ નિત્યનિયમ ન ચૂકે. કહેવાય છે કે એની પૂજાની જ્યોત આપોઆપ પ્રગટ થતી. પરંતુ આખરે જ્યારે એ બહારવટીઓ પાપ ને અન્યાયમાં ડૂબી ગયો ત્યારે એનો કાળ આવ્યાની સાક્ષી રૂપે ઝીંદગીના છેલ્લા ત્રણ દિવસ સુધી એ 'રેઢી જયોત' પ્રગટ નહોતી થઈ. વાલો નામોરી પાતાની સાથે પીરનો કીનખાપી વાવટો ફેરવતો અને રામવાળો સૂરજદેવળનો પંજો રાખતો. વાધેરો દ્વારિકાનાથના સેવક હોઇ 'જે રણછોડ !' એ એની રણહાક હતી;