આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

હોય. ધીમે ધીમે સમય જતાં, રાજસત્તાનો ભય ઉતરી જતાં, લોકોમાં એ બહારવટીઆની ઘટનાઓ ઉખળવા લાગે છે. શિયાળુ રાત્રિઓની શગડીઓ એ કથાઓ વડે વધુ ઉષ્માવંત બની રહે છે, વાડીઓની વડઘટાઓ, ગામના ચોરાઓ, અને ડેલી દોઢીના દાયરાઓ એ નાની છુપાવેલી વાતો વડે વધુ પ્રદીપ્ત થઈ રહે છે. અને છતાં નામઠામ સંડોવ્યા વગર જ ઘણી વાતો મોઘમ ઉચ્ચારવી પડે છે. એમાં કાંઈક વીરત્વ ઉપરની માનબુદ્ધિથી પ્રેરાઈને, તેમજ કાંઈક કલ્પનાના રંગે રંગાઈને, કવિ કાવ્ય રચે તે પ્રમાણે પ્રજા ય આ બહારવટીઆની આસપાસ નૂતન ઘટનાઓ ગુંથી કાઢતી હશે. ઇંગ્લાંડના કેટલાએક ઇતિહાસકારો પણ એ મત ધરાવે છે. *[૧]રોબીનહુડની ઘણી ધટનાએ કપોલકલ્પિત હોવાનું કહેવાય છે. અથવા ઘણી ઘણી, ભિન્ન ભિન્ન સ્થળો તેમજ વ્યક્તિ પરત્વે બની ગએલી બોલાતી ધટનાઓનો સમુચ્ચય કરીને મેધધનુષના રંગસમુચ્ચય સરીખો એક બલવાન વીર ઘડ્યો હોવાનું પણ બોલાય છે. માનવી મરી ગયા પછી અમુક સમયે એના સ્મૃતિચિત્રમાં એવાં અવનવાં તેજ-છાયા પૂરવાની લોક–પ્રકૃતિ જગજાહેર છે. દાખલા તરીકે મોવર સંધવાણીએ એક સાહેબની મડમને ઉડાવી જઈ પોતાના રહેઠાણમાં બ્‍હેન કરી રાખીને છેવટે એક હજાર રૂપીઆનું કાપડું આપી સાહેબને પાછી સુપ્રત કરી, એ વાત સારી પેઠે પ્રચલિત છતાં, એના જ એક સંગાથી બહારવટીઆએ (એ જીવે છે) નિર્મૂલ કહી છે. (૫રંતુ એથી ઉલટું કાદુ ને જેકસનની, કાદુ ને હંફ્રીની મડમની વગેરે ઘટનાઓને સજ્જડ સાક્ષીપૂરાવા છે.)

આ કથાઓમાં એવું Picturesque-કલ્પના પ્રધાન તત્ત્વ કેટલું છે ને સત્ય કેટલું છે, તે નિર્ણય થવો મુશ્કેલ છે. કેવળ ચારણોની જ પાસેથી મળેલી આ કથાઓ નથી, પણ ચારણો, ભાટો, બહારવટીઆના સંગાથીઓ, પેાલીસખાતાંના જૂના અધિકારીઓ, અમુક બાહારવટીઆની સામે હાથોહાથ લડેલા ગીસ્તના માણસો વગેરે પાસેથી પૂછી પૂછી, બનતી મહેનતે સરખાવી સરખાવી એકઠી કરેલી આ ઘટનાઓ છે. બહારવટીઆના સંગાથમાં જેઓ બહારવટે નીકળેલા, તેવાઓમાંથી


  1. *“ Nothing would be more natural than thegradual clustering of tales round a hero. Robinhoodhimself is a good example of this. Some remarkableballads give expression to his dallying exploits andhairbreadth escapes. ”