આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫


આજે યુગ બદલાયો છે. શાંતિ, સ્વસ્થતા, સત્તા, કાયદો, અહિંસા, ભાતૃભાવ, અને નિ:શસ્ત્રીદશા : એ તમામનું વાતાવરણ આપણી ચોપાસ ઘનિષ્ટ બની છવાઈ ગયુ છે. આજે એકાદ માણસને એક જ જખ્મ જોતાં આપણને અરેરાટી છૂટે છે, એકાદ માણસ ધીંગાણે મરતાં આપણે કોચવાઈએ છીએ. પણ યુગેયુગની હિંસા તો ચાલુ જ છે. માત્ર ચાલુ હિંસા પ્રત્યે આપણી દૃષ્ટિ ટેવાય છે; એટલે જ ખાણોમાં ને કારખાનાંમાં ચાલી રહેલા લાખો નિર્દોષોનો સંહાર અત્યાર સુધી આપણી નજર પણ ખેંચતો નહોતો. આપણે એજ ખાણના કોલસા કે સોનારૂપા, ને એજ કારખાનાનાં મલમલ ઇત્યાદિ સેંકડો પદાર્થો પ્રેમથી પહેરીએ એાઢીએ છીએ. એજ મૂડીદાર સંહારકો આ યુગના ઉદ્યોગવીરો બની આપણું સન્માન પામે છે. બહારવટીઆઓએ આટલી કતલ કે લુંટફાટ તો કદાપિ કરી જ નથી. ને જેટલી કરતા તેટલી પ્રગટપણે દિલનો સંકલ્પ છુપાવ્યા વગર કરતા. તેમજ તેઓની સામે થવાનું પડ પણ સહુને માટે ખુલ્લું હતું. કોઈ કાયદો એને ઓથ નહોતો દેતો. એ નિખાલસપણું અને સાફદિલી હતા તે કારણે જ તેમાંથી અન્ય નેકીના સંસ્કારો આપોઆપ કોળ્યા હતા. લુંટફાટ હતું એ યુગનું યુગપૂરતું લક્ષણ, અને આ બહારવટીઆ બનનાર વ્યક્તિ એનું ચિરંજીવી લક્ષણ તો હતું chivalry–પ્રેમશૈાર્ય : એ ચિરંજીવી હતું અને બલવાન હતું. વળી હતું સ્વયંભૂ. એમ ન હોત તે કાઈ ધાર્મિક સંસ્કારના અભાવે, કોઈ ઉચ્ચ રાજનીતિશાસ્ત્રના અધ્યયન વગર, અને કોઈ નીતિશાસ્ત્રના સંસર્ગ સિવાય એ શી રીતે પ્રગટ થાત ? ને પ્રગટ થયા પછી આવા વિઘાતક જીવનપ્રવાહ વચ્ચે શી રીતે એની ડાળીઓ મ્હોરી હોત? પરનારી પ્રત્યેનું અદ્દભૂત સન્માન, બ્રાહ્મણ,સાધુ પ્રત્યે દાનવૃત્તિ, શત્રુ પ્રત્યે વીરધર્મ, વગેરે વસ્તુઓ પ્રકૃતિગત બદમાશીમાંથી ન નીપજે. ક્ષારભૂમિમાં સુગંધી ફુલો ન ફૂટે.

આપણે એની મનોદશાનો વિચાર કરીએ.

૧. બીનગુન્હે પોતાની જમીન ઝુંટવી લેનાર બળીઆ રાજની અદાલતને બારણે ધક્કા ખાધા પછી પણ એને ઈન્સાફ ન મળ્યો ત્યારે એનો આત્મા ઉકળી ઉઠ્યો.

૨. ચારે દિશામાં નજર કરતાં કોઈ એને ઈન્સાફ અપાવે તેવું ન દેખાયું. ઉલટું રાજકોટની એજન્સી સત્તાએ તો હમેશાં મોટા રાજ્યોનો જ પક્ષ લઈ એ નાનાને પાયમાલીને છેલ્લે પાટલે મૂકી દીધો.