આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫


“આ લોકો (વાઘેરો) પણ હિંમતવાન ને બહાદુર છે. અને ગમે તેવી આફત પડે તો પણ ડરે તેવા નથી. આ લોકો ટાઢતડકો ભૂખ સહન કરી શકે છે.”

x x x

“આ લોકો વળાવા તરીકે ઠીક ઉપયેાગમાં આવે છે. કોઈ હરામખોર ગાડું લુંટવા આવે તો જ્યાં સુધી પોતામાં જીવ હોય ત્યાં સુધી સામા થઈ બચાવ કરે છે. તેમ નહિ કરે તો પોતાની નાતજાતમાં હીણપ દેખાય એવી તેમની સમજ છે. વળી આ લોકોનાં ગાડાં તેમના માનની ખાતર બીજા કોઈ લુંટતા નથી. અને કદાચ લુંટે તો પોતાના જીવને જોખમે પણ તેઓ બચાવ કરવા તૈયાર રહે છે.”

આ તો ઠર્યું ઐતિહાસિક સત્ય : રા. સા. ભગવાનલાલ સરકારી આદમી તરીકેનાં માનસિક દબાણો નીચે રહ્યા રહ્યા પણ આટલું સત્ય ઉચ્ચરી રહ્યા છે. જોધા ને મૂળુ આવા ખાનદાન વીરનરો હતા તો રાજસત્તાએ શા માટે એને એના પૂર્વજોનું રાજ્ય પાછું ન સોપ્યું ? શા માટે તેઓના ઉપર ગોળા છોડવાને બદલે, અથવા આકરી તવાઈઓ મોકલવાને બદલે રાજકુલ તરીકે એની સાથે વ્યવહાર ન આચર્યો ? શા માટે જોધામૂળુને ઓખાના અને જોગા ખુમાણને કુંડલાની ચેારાશીના સૂબા ન નીમ્યા ? જોગીદાસ આટલો નેકીદાર હોવા છતાં વજેસંગજીની વજીરાત એને કાં ન સોંપાઈ ? ભાવનગર રાજ્યનો ઇતિહાસ આજે એના મૃત્યુ પછી એક સો વર્ષે પણ એને કયું ગૌરવવંતું આસન આપે છે ? વજેસંગજી ગોહિલ અથવા ખંડેરાવ ગાયકવાડ અકબરશાહ ન બની શક્યા. નહિ તો જોગીદાસ અને જોધામૂળુ જેવી માનવશક્તિઓ સોરઠ દેશમાં કાંઈક જુદી જ તવારીખ જન્માવત. એ તો ખેર, પણ એકાક્ષા ઇતિહાસે આવા નરશાર્દુલોની જીવનકથાને પણ મારી મચરડી દૂષિત બનાવી દીધી છે. અને જનતા પણ આજે એવા ઇતિહાસની આપેલી વક્ર દૃષ્ટિ વાપરીને આવા વીરોને વગોવે છે. ઇતિહાસની દૃષ્ટિ કેટલી નિર્મલ ને વેધક હોવી જોઈએ ? એ ઉપરછલ્લું જોઈને કેમ ચુકાદો આપી શકે ? દાખલા તરીકે મીંયાણા જેવી ચોર, તોફાની ને લબાડ તરીકે નામચીન કરવામાં આવેલી જાતિને તપાસીએ : એ લોકોને તો પોતાનાં આજસુધીનાં પાપાચરણોના બચાવમાં પણ સપ્રમાણ રુદન સંભળાવવાનું છે. એ લોકોની બહાદુરી, વફાઈ, નેકી અને ભોળપનો કેવો કેવો કુટિલ ઉપયોગ કઈ કઈ રાજસત્તાઓએ કર્યો છે, તેઓને ગુન્હેગાર ગણાયાથી કેટલી હલકાઈ પોતાની પ્રકૃતિમાં ધારણ કરવી પડી છે,