આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
 

લુઈ નાખીને એ પોતાના ભેરૂને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી ચીંધીને એક ધાર બતાવી પૂછ્યું, “એાલી ધારનું નામ શું, જાણો છો ?”

“ના.”

“એનું નામ તોપધાર. ત્યાં અમારા સામી તોપ ચડાવીને માંડેલી.”

“તમારા સામી ? કોણે ?”

“જુનાગઢના રાજે."

“ક્યારે ?"

“આજથી છેતાલીસ વરસ ઉપર: સંવત ૧૯૩૯ની પોષ સુદ પાંચમે: તે દિવસ સૂરજ હજુ ઉગ્યા નહોતા: માણસો હજુ જાગ્યાં નહોતાં: પંખીડાં બોલતાં નહોતાં: અને અમારા મહીયાએાની કતલ ચાલી હતી. આ કનડો અમારાં રાતાં ચોળ લોહીની નીકોમાં નાયો'તો. અમારા નવસો મહીયા આંહી કનડે ચડીને એક મહિના સુધી રહેલા, તેમાંથી એંશીની કતલ થઈ ગઈ છે.”

“શા માટે નવસો ચડેલા ? બહારવટે ?”

“ના ભાઈ, બહારવટે નહિ, પણ રીસામણે: વગર હથીઆરે : રાજ આપણો ધણી છે ને આપણને મનામણાં કરશે એવી આશાએ : પણ મનામણાંને સાટે તો કુવાડા ચાલ્યા. અમારા એંશી જણ ચુપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા.”

“વાહ વાહ ! શાબાસ મહીયા ! ઉંચામાં ઉંચી રાજપૂતી એનું નામ. ત્યારે તો હવે મને એ આખી વાત કહો ભાઈ !”

એક ઢોરા ઉપર બેય જણાએ બેઠક લીધી અને પછી એ મહીયા કોમના મોટી આંખોવાળા, આધેડ ઉમ્મરના માણસે વાત આદરી.