આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા : ૩
 

મે મૂળ તો મારવાડના મેણા (મીણા) રજપૂત. પછી અમે જે આણી મેર ઉતર્યા તે મહીયા કહેવાણા. આજથી ત્રણસો સાડા ત્રણસો વરસ ઉપર અમારા વડવા ભામા મહીયાએ મારવાડ ઉપરથી ઉતરતાં ઉતરતાં સોહામણી સોરઠ ભેામનાં સોણલાં દીઠાં. વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલાર દેશ છે !

નીલા તડ મચ્છુ તણાં, નીલી વાંકાનેર,
એકરંગીલાં આદમી, પાણી વળેજો ફેર.

[મચ્છુ નદીના લીલા તટ : લીલૂડી વાંકાનેરની ધરતી: અને એક રંગીલાં એ પ્રદેશનાં માનવી : એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીનો છે. ]

મચ્છુ કાંઠો અને મોરબી, વચમા વાંકાનેર,
નર પટાધર નીપજે, પાણીહંદો ફેર.

એવાં એકરંગીલાં માનવીને પેદા કરનારા પાણીવળાની દિશાએ અમારા વડવા ભીમા મહીયાએ ઉચાળા ઉતાર્યાં. મચ્છુ અને પતાળીઆ બે નદીનો જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાવ્યું.

એક દિવસ ભીમા મહીયાની દોઢીએ આવીને એક બાઈ ઉભી રહી. હાથમાં બાળ તેડ્યું છે. આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારૂં કોઈ નથી. ભીમે મહીયે પૂછ્યું “બેન ! કોણ છે તું ? શીદ આવવું થયું ? તને આંહી રામરક્ષા છે. તારા દુ:ખની વાત દિલ મોકળું મેલીને કહે બા !”

“ભાઈ ! મારા ધર્મના વીર ! હું પડખેના જાડેજા રાજની રાણી છું. પાટ ઠકરાણી છું, પણ અણમાનેતી છું. અમને બેય શોક્યુંને દેવે દીકરા દીધા, પણ મારૂં ફુલ બે ઘડી વહેલું અવતર્યું તેથી મારો બાળક ટીલાત ઠર્યો ખરો કે ની, એટલે અપર-મા