આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
૧૩
 

ણ તમે જુનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા ?”

નવાબના તેડાવ્યા આવ્યા'તા ભાઈ ! નવાબને એક કોર કાઠીની ભીંસ, બીજી કોર ચોરવાડ વેરાવળમાં રાયજાદા રજપૂતોનો દા બળે, ત્રીજી કોર બીલખાના ખાંટ ખાંડાં ખખડાવે, એ સહુની આડા દેવા નવાબે મહીયા નોતર્યા. કાઠી અને રાયજાદાનો તાન ઝલાવાથી મહીયા ત્રણ વાર તો આવી આવીને પાછા કુવાડવા ગયા. પણ આખરે મહીયાનાં નાકાં બંધાણાં. કાઠી ને રાયજાદાનાં જોર ભાંગ્યાં. મહીયાને ચોવીસી મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવાં અમારાં મોટાં મથક બંધાણાં. અમારૂં ટીલાત ખોરડું શેરગઢમાં વસવા લાગ્યું. આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસનાં કાઠીશાઈ માળડા, ચંદરવા વગેરે મોજુદ છે. અમારે ઘેરે હડ્ય રહેતી. અમારા બે હજાર મહીયાના એક જ શ્વાસ : આજ તો એ વારા વહી ગયા. સમો પલટાઈ ગયો. કાયદા, કરારો અને કોરટો અમ ફરતા આંટા લઈ લીધા. ને આંહી કનડે ડુંગરે અમારાં ઢીમ ઢળી ગયાં.

“હાં ! હાં ! ઝટ એ વાત ઉપર આવો. અંધારાં ઘેરાય છે. ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારૂં હૈયું થર રહેતું નથી. હું આ ધરતીને રોતી સાંભળું છું. કનડાની વાત કહો !”

સાંભળો ભાઈ, સંવત ૧૯૩૯ની સાલ સુધી મહીયો કર વેરા વિનાનો હતો. લીલાં માથાં ઉતારી આપનાર મહીયાને માથે લાગા નહોતા. પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો, અને મહીયા ઉપર રાજની ચિઠ્ઠી ઉતરી કે કાંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે.”

આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારે આગેવાન અમરેભાઈએ લખી મોકલ્યું કે “મહીયાને નવા કર ન હોય, અમથી ખમાય નહિ.”