આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સોરઠી બહારવટીયા : ૩
 

અમારો ધણી જૂનાગઢથી ઉતરશે અને અમને મનામણાં મેલશે. વષ્ટિઓ આવવા પણ માંડી. રાજે અમને કહેવરાવ્યું કે “વીંખાઈ જાઓ. કનડો છોડી દ્યો. પછી તમારો વિચાર કરશું.”

અમે જવાબ વાળ્યો કે “મહીયા ધર્માદા નથી ખાતા, માથાં દીધા બદલની જમીન ખાય છે. આમ માથે નવા લાગા ન હોય. બાકી તો ધણી છો. બધું ય આંચકી લ્યો ને ! અમે બેઠા બેઠા જોશું. અમારે લૂણહરામી થઈને રાજ સામી સમશેરૂં નથી ખેંચવી.”

વે સમે એક દિવસ મોણીઆ ગામથી શામળાભાઈ નામે ચારણ ઉતર્યા. મોણીયું એટલે તો આઈ નાગબાઈનું બેસણું : અને નાગઈ તો મહીયાની ઈષ્ટ દેવી : નાગઈ ઉપર અમારી હાડોહાડની આસ્થા : એ ચારણીનું છોરૂં તે આ શામળોભાઈ. શામળોભાઈએ રાજની ને અમારી વચ્ચે વષ્ટિયું લાવવા લઈ જવા માંડી. છેલ્લે દિવસ તો શામળાભાઈ અમને કસુંબા સાટુ અઢી શેર અફીણ સોત આપી ગયા. અને પોષ મહિનાની અજવાળી ચોથની રાત સૂસવતી હતી ત્યારે શામળોભાઈએ આશાભર્યો સંદેશો આણ્યો કે “વષ્ટિ લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે. માટે હથીઆર ૫ડીઆર હોય તેટલાં આઘાં પાછાં કરી દેજો.”

“હથીઆર !” મોટા ચોટલાવાળા મહીયા જુવાનોની આંખો તાપણાંને અજવાળે ચમકી ઉઠી: “હથીઆર તો અમારા હાથમાંથી સરકારે સંવત ૧૯૨૯થી જ આંચકી લીધાં છે, શામળાભાઈ ?”

“આકળા મ થાવ જુવાનો !” શાણો સરદાર અમર મહીયો બેાલ્યો : “અને શામળાભાઈ ! હથીઆર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજ તો અમારે બેઠું બારવટું