આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૨૫
 

પગ મેલતો નહિ. શકન જોવાની રીત પણ નોખી જ ભાતની. સીમાડે સહુ બેસે ને પોતે સૂવે. સૂતાં સૂતાં આંખમાં નીંદર ભરાય એટલે પોતે ઉભો થાય, કાં તો પાછો ફરી જાય, ને કાં શ્રીફળ લઈને સીમાડામાં દાખલ થાય. કણેરી માથે ચડવામાં શુકન જોયાં તે સારાં નીવડ્યાં. નાળીએર લઈને ગીગો આગળ થયો. વાંસે એનું દળ હાલ્યું. ગામને પાદર જઈને ઝાંપાના પત્થર ઉપર નાળીએર વધેર્યું. સહુએ માતાજીની શેષ ચાખીને પછી ગામમાં પગલાં દીધા. બરાબર ચોકમાં જ ગીસ્તો પડી છે. પણ મોતની ભે તો ગીગાને રહી નહોતી. 'જે નાગબાઈ !' લલકારીને ગીગો પડ્યો. એમાં બે કોરથી મકરાણીઓની સાઠ સાઠ દેશી બંદૂક છૂટી, પણ ગીગાના જણમાંથી એક જ જણને જખમ થયો. બીજા બધા કોરેકાટ રહી ગયા.

“હાં ભેરૂબંધો ! આઈ નાગબાઈ આજ ભેરે છે.” એમ બોલીને ગીગો ઠેક્યો. ધૂધકારીને જેમ દોટ દીધી તેમ મકરાણી શંકર, બાદશા જમાદાર ને અભરામ પાડો, ત્રણે ભાગ્યા. ગીગાએ પેલા બેને તો હડફટમાં લઈ પછાડી બંદૂકે દીધા. પણ અભરામ પાડો ઝાડ ઉપર ચડી ગયો. એને ગોતતા ગોતતા બારવટીયા પાદર આવ્યા, ને જેમ ઉચે નજર કરે તેમ ત્યાં ઝાડની ડાળ્યે અભરામને દીઠો. જેમ ગીગે બંદુક નોંધી તેમ તો અભરામે ડીલ પડતું મેલ્યું. આવી પડ્યો ગીગાના પગમાં. પગ ઝાલી લીધા. બોલ્યો “એ ગીગા ! તેરા ગુલામ !”

“હે...ઠ મકરાણી ! ખાઈ બગાડ્યું ? જા ભાગી જા. હું ગીગો. હું શરણાગતને ન મારું, જા ઝટ જુનાગઢ, ને વાવડ દે કે ગીગો આજ કણેરીમાં જ રે'વાનો છે.”

અભરામને જીવતો જવા દીધો. પોતે કણેરીમાં આખો દિવસ રોકાણો. બાપનું સ્નાન કર્યું. અને “હવે મકરાણી ફરીવાર આવે તો મને છીંદરીની ઝાડીમાં વાવડ દેજો !” એટલું કહી ગીગો ચડી નીકળ્યો.