આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૨૭
 

ફાગણ શુદ પૂનમની હોળી તો સહુ પ્રગટે, પણ ગીગા બંકડાની હોળી નોખી જ ભાત્યની. જૂનાગઢથી વેરાવળ જાવાની ધોરી સડક હતી. એ સડકને કાંઠે, પાણીધરા ગામને સીમાડે, આજ જે ગીગાધાર કહેવાય છે તે ધાર ઉપર ગીગા ચોડેધાડે રહેતો હતો. એમાં કોઈએ યાદ આપ્યું કે “આજ ફાગણ શુદ પૂનમ છે ગીગા ! આજ ક્યાંઈક હોળી માતાનાં દર્શન કરવા અને દુહા સાંભળવા જઈએ.”

વિચાર કરીને ગીગો બોલ્યો કે “આપણે આંહીં આપણી નેાખી હોળી પરગટીએ અને દુહા રાસડા ગાવા માટે સહુને આંહી જ બોલાવીએ તો કેમ ?”

“તો સુધું સારૂં.”

“ઠીક ત્યારે, અટાણથી સડકને કાંઠે ઓડા ઝાલીને બેસી જાઈએ અને હોળી માતાનો પૂજાપો સરસામાન ભેળો કરીએ.”

રૂ કપાસનાં ધાકડાં લઈને ગાડાંની હેડ્યો જૂનાગઢથી વેરાવળ જાય છે. ધોરીને ગળે ટેકરીઓ વગડે છે. મોટી બજાર જેવી રાહદારી સડક ઉપર બારવટીયાની તલભાર પણ બ્હીક નથી ! ગાડાખેડુ કાગાનીંદર કરતા કરતા હાંક્યે જાય છે. એમાં ગીગાધાર ઢૂકડા આવતાં ત્રાડ પડી કે “ગાડાં થોભાવો !”

“કાં ભાઈ ? નવાબ સરકારનાં ધોકડાં છે.”

“હા, એટલે જ અમે તાણ્ય કરીએ ને ભાઈ ! ઉતારી નાખો ધોકડાં.”

ગાડાખેડુએ કળી ગયા કે આ તો ગીગાનો થાપો પડ્યો છે. ધોકડાં ઉલાળી નાખ્યાં.

“તમારું ભાડું કેટલું ઠર્યું'તું ભાઈ ?”

“પંદર પંદર કોરી.”