આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સોરઠી બહારવટીયા : ૩
 


“બાઈ, ઈ ઘરાણાં ને ઈ ભાત આંહી હેઠે મેલીને હાલી જા બાપ.” બારવટીયાએ એક સુંડી ભરાય તેટલાં સોનાં રૂપાં ભાળીને ભાન ગુમાવ્યું.

“તમે કોણ છો ?” કરડી આંખવાળા અને બીજાથી સવાયા પ્રભાવશાળી દેખાતા જણને બાઈએ બેસી ગયેલે અવાજે પૂછ્યું.

“હું ગીગો મૈયો, બાઇ ! તું વાર લગાડ એટલું નકામું છે. ઠાલી ચીથરાં શીદ ફાડછ !”

“તમે પોતે જ ગીગા બાપુ ?"

“હા, હું બાપુ ફાપુ નહિ, પણ ગીગો ખરો - અરે ગીગલો કહે તો ય શું ? અમારે તો કામનું કામ છે ને ? અમારે મકરાણીનાં માથાં જોવે ને શાહુકારનાં સોનાં રૂપાં જોવે. કાઢી દે ઝટ.”

“વોય માડી ! તયેં તો મારી કાળજીભી સાસુનું કહેવું સાચું પડ્યું !” એટલું કહીને કણબણ ચારે કોર જોવા લાગી.

“શું કહ્યું'તું તારી સાસુએ ? ઈ યે અમારે સાંભળવું પડશે ? ઠીક બાઈ, કહી નાખજે ઝટ. અમે ભૂખ્યા છીએ.”

“મારી સાસુએ કહ્યું'તું કે આ ઘરાણાં ઠાંસીને જાછ તે તારો બાપ ગીગો બારવટીયો ગોધમેથી ઉતરીને લૂંટી લેશે ! મેં કહ્યું કે ભલે મારો બાપ ગીગો લૂંટી લ્યે.”

“મને તારો બાપ કહ્યો'તો તારી સાસુએ ? સાચેસાચ ?"

“હા, સાચેસાચ.”

“તયીં તો હું તારો બાપ ઠર્યો. એલા ભાઈ જુવોને ! હું બાપ થઈને આ દીકરીને લૂંટું ?”

“અરેરે, લૂંટાય કાંઈ ?”

“ઉલટાનું કાપડું દેવું જોવે ને ?”

“હા જ તો.”