આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સોરઠી સંતો
 


સાચોસાચ : ખીજડીને છાંયડે, પાણીભરી શીતળ ભંભલીને ઓશીકે માથું ટેરવી વેલો ભરનીંદરમાં સૂતો છે.

પણ ખેતર રેઢુ નથી પડ્યું. કોદાળી એકલી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી : એની મેળે ઉછળી ઉછળીને સાંઠીઓ સૂડી રહી છે.

ખેતર ગાદલા જેવું બની ગયું છે.

આ શું કૌતુક ! કોદાળી પોતાની મેળે ખોદે છે !

દેખીને જસમત ભાભો સજ્જડ થઇ ગયો. આ વેલો કોળો નહિ : કાઇક જોગી પુરૂષ : મેં આજ એને માટે મનમાં બુરા વિચારો બાંધ્યા !

વેલો જાગી ગયો. આતાને એણે ઉભેલો જોયો. વેલો સમજી ગયો.

દોડીને જસમત વેલાના પગમાં પડવા ગયો, ત્યાં વેલાએ આતાના હાથ ઝાલી લીધા. જસમત બોલ્યો :

“મને માફી આપો, મેં તમારી પાસે મજૂરીનાં કામ કરાવ્યાં. તમને મેં ન એાળખ્યા.”

“આતા ! મને મજૂરી મીઠી લાગતી હતી. આંહી મારી તપસ્યા ચાલતી હતી. મને દીકરો થઇને રહેવા દીધો હોત તો ઠીક હતું. પણ આજ તમારી નજરે મારી એબ ઉઘાડી પડી. હવે મારે વસ્તીમાં રહેવું ઘટે નહિ. મારો મુસારો ચૂકાવી દો.”

જસમત બહુ કરગર્યો. પણ જોગી ન માન્યો. જતાં જતાં એટલું કહ્યું કે “આતા માગી લ્યો.”

“શું માગું ? તમારી દુવા માગું છું.”

“જાવ આતા, મારો કોલ છે. તમારા સેંજળીયા કુળનો કોઇ પણ જણ મારા મરતુક પછી ગિરનાર ઉપર મારી સાત વીરડીએ આવીને શિવરાતને દિ' તંબુરામાં ભજન બોલશે, તો