આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૮૩
 


આંખેામાં શરણાગતીની મીઠાશ છલકી. છતાં ગુરૂ હજુ ઉતરતા નથી. ગુરૂ તો આ કુકર્મનાં મુખની વાણીમાં ન્હાય છે. એના અચંબાનો તો પાર જ નથી: ત્યાં રામડે ગુરૂના પગ નીચે પડ્યાં પડ્યાં બીજું ભજન ઉપાડ્યું:


મેં તેરા બંદીવાન
ગરનારી વેલા ! મેં તેરા બંદીવાન.

જ્ઞાની ભૂલ્યા, ધ્યાની ભૂલ્યા,
કાજી ભૂલ્યા કુરાન - ગરનારી૦

અમર તંબૂડા ભીંજાવા લાગ્યા,
તંબૂડા જમી અસમાન – ગરનારી૦

સતીએ સત ધરમ છોડ્યાં,
સૂરે છોડ્યાં હથીઆર – ગરનારી૦

વેલાને ચરણે બોલ્યા રામૈયો,
ઘરે આયા મારો દીવાન - ગરનારી૦

તો યે ગુરૂ ઉતરતા નથી. રામડાની છાતી ઉપર તો જાણે કમળનું ફુલ પડ્યું છે ! નિરક્ષર રામડાની રસના પર સરસ્વતીએ જાણે કે વીણા લઈને ગાવા માંડ્યું. કેવો પરમાનંદ એને અંતરે પ્રગટી નીકળ્યો ! જાણે ગિરનારનાં તરૂવરો એને રૂંવાડે રૂંવાડે રોપાયાં. જાણે મસ્તક પર ગિરનારનાં શિખરો ખડાં થયાં. લલાટમાં તિલક ખેંચાઈ ગયાં, અંગમાં ગંગા યમૂના રેલાઈ અને નેત્રોમાં ચાંદો સુરજ ઝળેળ્યા :