આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પરંતુ આપણે તો તેથી યે જરા જૂની તવારીખમાં ડોકીયું કરીએ: સૌરાષ્ટ્ર પર મહાન અસર પાડીને અહિંસાને રંગે રંગનારો બૌધ ધર્મ એકવાર આંહી કેવળ રેવતાચળની જ આસપાસ નહિ, પણ છેક પુર્વ ખૂણામાં તળાજા સુધી પ્રવત્યો હશે. એભલ–મંડપ શાં ખંડિયરો એની સાક્ષી પૂરે છે.

આમ કેટલાં કેટલાં ધર્મ તત્ત્વોનો પાસ સોરઠનાં લોકોના અંતઃકરણો પર બેઠો હશે એ સમજી શકાય છે, યોગીઓના યોગ તત્ત્વનો, સોમનાથ–પ્રેમીઓનાં શૈવ તત્ત્વનો, બૌદ્ધમતના દયાતત્ત્વનો, અને ઇસ્લામની એકોપાસનો: ને આ બધી ભાત્ય ઉઠી તેનું કારણ સૌરાષ્ટ્રની જન–પ્રકૃતિ: મુખ્યત્વે પશુધારીઓ લક્ષ્મીનાં લાલચુ એાછાં, કુદરતનાં સંગીઓ, સ્વપ્નાવસ્થ, ઉર્મિભર્યા, ભાવઘેલડાં, શ્રદ્ધાળુ, અંધશ્રદ્ધાળુ, અને વહેમી પણ સારી પેઠે ! વળી દેહ મનથી જેમ યુદ્ધ વૈર અને પ્રેમમાં જોરાવર, તેમ- અથવા તેથી જ ત્યાગ, આસ્થા અને ભક્તિ પરત્વે પણ ઉગ્ર આવેશમય. એવી ભોં ઉપર ભક્તિનાં બીબાં ઘાટાં ઉઠ્યાં. જેમ લક્ષ્મીના ઢગલામાં લેટી લેટીને થાકેલાં અમેરિકાવાસીઓ કોઈ ધર્મ કલા કે સાહિત્યના વ્યાખ્યાન તરફ અથવા આધ્યાત્મિક વાતો તરફ તૃષાતૃરોની ધખનાથી ઢળે, તેમ લડાઈઓ, ધાડાં, રક્તપાત વગેરે બીનસલામતી જીવનક્રમમાં પીટાતાં સૌરાષ્ટ્રવાસીઓ ધર્મની શાંતિ તરફ સહેલાઈથી વળતાં હતાં.

કેટલી જાતના સંતો

એ રંગોમાં રંગાઈને પ્રવર્તેલા સંતોની હવે આપણે વ્‍હેંચણ કરવી જોઈશે. હું એ સમુદાયના આટલા ભાગ પાડું છું.

૧. લંગોટધારી, ભભૂતધારી ગિરનારીઓ: ખાખી બાવાઓઃ જેનાં મુકામો મુખ્યત્વે કરીને ગિરનાર ફરતાં મળે છે. ધુંધળીનાથ, સિદ્ધનાથ, કરેણીનાથ, વગેરેની 'પટ્ટણ સો દટ્ટણ' જેવી અલગારી કથાઓ અાંહી પ્રચલિત છે. તેઓ સદંતર ત્યાગીઓ હતા. વસ્તીથી નિરાળા ગુફાવાસી કે તરૂછાયાના નિવાસી હતા. તપસ્વીઓ હતા.