આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી સંતો
 


વારે વારે આવા ધમરોળ મચે છે, પોતાના ધણીનું ચોરેલ ધન ઘરમાં આવવાથી વારે વારે ઘરમાં મોટી નુકશાનીઓ લાગે છે, અને હરવખત માંકબાઇ પોતાને પીયર મોલડી જઇને પોતાના પિતા રતા ભગત પાસેથી ખરચીનો જોગ કરી આવે છે. જ્યારે દીકરી રોતી રોતી જાય, ત્યારે ભક્તિના રંગમાં રંગાયેલે વૃદ્ધ બાપ, માળાના પારા પડતા મેલતો મેલતો શીખામણનાં ફક્ત આટલાં જ વેણ કહે છે કે “તું જાણ ને તારું તકદીર જાણે, બાઇ ! મેં તો તને ઠાવકાં વર ઘર જોઇને દીધી, પણ તારા લલાટે લખ્યાં કોણ ટાળી શકે ? ખરચી જોતી હોય તો લઇ જા.”

પણ આજ તો માંકબાઇ ગળોગળ આવી રહી હતી. શું કરવું તે સૂઝતુ નહોતું, મનમાં બહુ બુરા મનસૂબા ઉપડતા હતા. એવે પ્રભાતને ટાણે મોલડી ગામની રબારણો થાનમાં ઘી વેચવા ઘીની તાવણો લઇ લઇને આવેલી, તે બધી જાદરાને ફળીએ બેનના ખબર કાઢવા આવી કે

“ માંકબાઈ બે...નો ! ભગતને અને આઇને કાંઇ સમાચાર દેવા છે ? ”

પોતાના પીયરની પાંચ રબારણોને આટલા હેતથી સમાચાર લેવા આવેલી દેખીને માંકબાઇને સાક્ષાત માવતર જ મળવા આવ્યાં હોય એવી લાગણી થઇ ગઇ ને એની છાતી ભરાઇ આવી. એણે કહ્યું કે “ઉભાં રો, હું તમારી સાથે જ આવું છું."

ઓરડામાં જઇ પોતાની સાસુને કહ્યું કે “ફુઇ ! હું મારે માવતરે જાઉ છું."

“કાં ! એમ જાદરાની રજા વિના જવાય ?

“હવે તો રજા નથી લેવી ફુઈ !”

“અરે નવાબજાદી ! ઓલ્યો જમદૂત જેવો હમણાં આવ્યા ભેળો જ તારી વાંસે પડશે અને તારે માથે કેર વર્તાવશે, માટે તું જાવું રેવા દે."