આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સોરઠી સંતો
 

શબ્દે ચીસો પાડી પોતાનો દેહ પોતાની માના ખોળામાં પડતો મેલી દીધો છે. માતા એના આખા શરીરે હાથ ફેરવી, હૈયા સરસી દબાવી લઇ, “માડી ! શું થયું ! શું થયું મારાં પેટ !” એવે શબ્દે દીકરીને શાંત પાડે છે. આખા ગામમાં કળેળાટ બોલી રહ્યો છે, માણસોનાં ટોળાં ઉમટ્યાં છે, છતાં પણ ચોપાટમાં બેઠેલા આપા રતા ભગતના હાથમાં જે માળા ફરે છે, તે તો ફરતી જ રહી છે. એનું અંતર આ દુઃખના દેખાવથી જરાયે ચળતું નથી. એના મુખ ઉપરની એક રેખા પણ બદલતી નથી. આવું જડ હૃદય જોઇને કાઠીઆણીએ બૂમ પાડી કે

“અરે ભગત ! હવે તો ભગતીની અવધિ થઇ ગઇ. આમ તો જોવો, આ બાળકીને આખે ડીલે સોટા ઉપડી આવ્યા છે !”

માળાના પારા પડતા મેલતા મેલતા પતિદેવ બોલ્યા કે “ભણે, કાઠીઆણી ! એમ દીકરી આંસુડાં પાડતી પાડતી સાસરીયેથી નત્ય ઉઠુને પીયરમાં ભાગુ આવે, એને મન મ્હોં નો દઇએં, બાકી તો કાણો કરવો ? જેવાં આપણાં ભાગ્ય ! ને જેવા દીકરીનાં લખત !”

ત્યાં તો પિશાચ જાદરો આવી પહોંચ્યો. આખે શરીરે પરસેવો નીતરી રહ્યો છે, ને આંખમાં લોહી ટપકે છે. શ્વાસે લેવાઈ ગયો છે. ગામને ઝાંપેથી એને માથે પીટ પડતી આવે છે. ઘોડી દોટાવી દોટાવીને થાકી ગયો છે તો પણ બાયડીને આંબી નથી શક્યો, એ વાતની મર્મ-વેદના પણ એને વીંધી રહી છે. ભગતની ડેલીમાં પગ મૂકતાં જ એ પાપી પણ અદબથી ચુપ થઇ ગયો. અને એનાં પગલાં સાંભળતાં જ દીકરી, કોઇ શિકારીના હાથનું સસલું લપાય તેમ માતાની ગોદમાં લપાઇ ગઇ. જાદરો પોતાનો કાપ મનમાં શમાવીને આપા રતા પાસે જઇ બેઠો.

“આવ્ય. બાપ જાદરા ! આવ્ય. બેસ ભાઇ.” એવા મીઠા શબ્દો કહીને ભગતે ભાણેજને પોતાની બાજુમાં બેસાડ્યો. છાશ પીવા ટાણે બન્ને જણા એક ભાણે જમવા બેઠા, રાતે